‘આજે જે વિરોધ કરશે, તેમને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે,’ PM મોદીએ વિપક્ષના સાંસદોને આપી ચેતવણી

Spread the love

 

સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજે ગુરુવારથી શરૂ થયું છે. જેમાં આજે પહેલા દિવસે ત્રણ બિલ રજૂ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. સવારથી બપોર સુધીની કાર્યવાહીમાં વિપક્ષના અનેક નેતાઓએ સીમાંકન બિલ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે, અમે મહિલા આરક્ષણ પર સાથે છીએ, પરંતુ ભાજપના ષડયંત્રની વિરુદ્ધમાં છીએ.

આના પર અમિત શાહે કહ્યું હતું કે, મુસ્લિમોને ધર્મના આધારે આરક્ષણ અસંવૈધાનિક છે. અખિલેશ યાદવે કહ્યું કે, આખો દેશ અડધી વસ્તીને આરક્ષણ આપવા માંગે છે. હું જાણવા માંગું છું કે મુસ્લિમ મહિલાઓ માટે શું? આના પર અમિત શાહે જવાબ આપ્યો કે, સમાજવાદી પાર્ટી તેની તમામ ટિકિટ મુસ્લિમ મહિલાને આપી દે, અમને કોઈ જ વાંધો નથી. જે બાદ આ બિલ લોકસભામાં રજૂ કરવા જોઈએ કે નહીં, તેના માટે વોટિંગ કરાવવામાં આવી હતી. જેમાં 207 વોટમાં ‘હા’ લખેલું હતું. એટલે કે બિલ રજૂ કરવાની તરફેણમાં 207 વોટ મળ્યા હતા.

મહિલા અનામત પર PM મોદીનું સંબોધન

આ બાદ બપોરે 3 વાગ્યે PM મોદીએ લોકસભામાં મહિલા આરક્ષણ પર પોતાની વાત મૂકી. લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન વિષય પર બોલતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ, દેશને એક નવી દિશા મળશે. દેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે. તેમણે કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું છે કે આપણે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્ર નિર્માણ માટે નીતિ નિર્માણ પ્રક્રિયામાં દેશની અડધી વસ્તીને સામેલ કરવાની તક મળી છે. આપણે બધા સાંસદોએ આ તક હાથમાંથી ન જવા દેવી જોઈએ.

આ તક હાથમાંથી ન જવા દેવી જોઈએ

પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ મંથનમાંથી નીકળતું અમૃત માત્ર દેશના રાજકીય પરિદૃશ્યને જ નહીં, પરંતુ દેશની દિશા અને સ્થિતિને પણ આકાર આપશે. તેઓએ કહ્યું કે, 21મી સદીમાં, ભારત નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. આપણે વિશ્વભરમાં ભારતની સ્વીકૃતિ અનુભવી રહ્યા છીએ. આપણા માટે સમય આવી ગયો છે. આ વિકસિત ભારત સાથે જોડાયેલું છે.

તેમણે કહ્યું કે, મારું માનવું છે કે વિકસિત ભારત ફક્ત રોડ, રેલ કે માળખાગત સુવિધાઓના આંકડાઓ વિશે નથી, પણ દેશની અડધી વસ્તી નીતિનિર્માણમાં ભાગ લે તે વિશે પણ છે. આપણે પહેલાથી જ મોડું થઈ ગયું છે. દરેક વ્યક્તિએ આ સ્વીકારવું જોઈએ. જ્યારે આપણે એકલા મળીએ છીએ, ત્યારે આપણે સંમત થઈએ છીએ કે હા, આ જરૂરી છે. પરંતુ જેઓ ફક્ત રાજકીય દ્રષ્ટિએ વિચારે છે, તેમના માટે હું એક મિત્ર તરીકે એક સલાહ આપવા માંગુ છું, જે મદદરૂપ થશે.

વિરોધ કરનારે ભોગવ્યા ખરાબ પરિણામો

પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં જ્યારે-જ્યારે મહિલા આરક્ષણને લઈને ચર્ચા થઈ અને ત્યારબાદ જ્યારે-જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે મહિલાઓને મળતા આ અધિકારોનો જેઓએ વિરોધ કર્યો હતો, મહિલાઓએ તેમને માફ કર્યા નથી. એટલે કે મહિલાના અધિકારોનો વિરોધ કરનારને સૌથી ખરાબ પરિણામ ભોગવવા પડ્યા છે. 2024ની ચૂંટણીમાં આવું બન્યું નહોતું, કારણ કે ત્યારે કોઈએ વિરોધ કર્યો નહોતો અને બિલને સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યું હતું. તે સમયે બધા એકસાથે હતા.

રાજકીય રંગ આપવાની જરૂર નથીઃ PM મોદી

તેમણે કહ્યું કે, હું કહું છું કે જો આપણે સાથે મળીને ચાલીએ, તો ઇતિહાસ સાક્ષી છે કે આ ફક્ત એક વ્યક્તિની તરફેણમાં નહીં, પરંતુ દેશના લોકશાહીની તરફેણમાં આવશે. આપણે બધા તેના હકદાર હોઈશું. તેથી જેમને આમાં રાજકારણની ગંધ આવે છે તેમણે પોતાના પર શું પરિણામ આવશે તેનો વિચાર કરવો જોઈએ. આથી કોઈએ આને રાજકીય રંગ આપવાની કોઈ જરૂર નથી.

કોઈની સાથે ભેદભાવ નહીં થાયઃ PM મોદી

મહિલા અનામતના સંદર્ભમાં સીમાંકનના મુદ્દાને સંબોધતા પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે આ નિર્ણય લેવાની પ્રક્રિયા કોઈની સાથે ભેદભાવ કરશે નહીં, કે હાલના પ્રમાણસર પ્રતિનિધિત્વમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આપણે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે આપણે કંઈક આપી રહ્યા છીએ, પરંતુ તે તેમનો હક છે, જે વર્ષોથી અટવાયેલો હતો. હવે આ યોગ્ય સમયે છે, તેમને તેમનો હક આપવાનો. આપણે જાણીએ છીએ કે પહેલા આ મામલે કેવી ચાલાકીઓ થઈ. પરંતુ હવે કોઈની હિંમત નથી કે 33 ટકા મહિલા અનામતનો વિરોધ કરી શકે.

અમે દરેક પક્ષ સાથે કરી વાતચીત

પીએમ મોદીએ કહ્યું કે, આપણે આ બાબતમાં પહેલાથી જ વિલંબ કરી દીધો છે – તેની પાછળના કારણો ગમે તે હોય, અથવા તેના માટે કોઈ પણ જવાબદાર હોય – અને આપણે આ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. હું જાણું છું કે જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. ફક્ત એક પક્ષ સિવાય, અમે જે-જે પક્ષોને મળ્યા તેમાંથી કોઈએ પણ સૈદ્ધાંતિક વાંધો ઉઠાવ્યો ન હતો. પછી ભલે ગમે તે બન્યું હોય, હવે અત્યારે રાજકીય માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે.

જેઓ આજે વિરોધ કરશે, તેમને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે

પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ કહે છે કે: “તમે અમને સફાઈ અને કચરા ઉપાડવા જેવા કામોમાં સામેલ કરો છો, પરંતુ હવે, અમને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરો – અને નિર્ણય લેવાની પ્રક્રિયા વિધાનસભાઓ અને લોકસભામાં થાય છે.” તેથી, રાજકીય જીવનમાં પ્રગતિ કરવા માંગતા લોકોએ સ્વીકારવું જોઈએ કે, છેલ્લા 25થી 30 વર્ષોમાં મહિલાઓ પાયાના સ્તરે નેતાઓ તરીકે ઉભરી આવી છે. તેઓ ફક્ત તે સ્તરે જ નહીં પરંતુ અહીં પણ તમારા નિર્ણયોને પ્રભાવિત કરવા માટે તૈયાર છે. આજે જે લોકો આનો વિરોધ કરશે, તેમને લાંબા ગાળે ભારે કિંમત ચૂકવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *