
આરોપી મહિલાની દીકરીએ થોડા સમય અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા.
દીકરીને ભગાવવામાં પીડિત પરિવાર જવાબદાર હોવાની આશંકા આરોપી મહિલાને શંકા હતી. આશંકાને પગલે મહિલાએ ઝેરી દવા ભેળવીને લાડુ મૂક્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે.
નોંધનીય છે કે, શહેરમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો જ દુરુપયોગ કરીને એક પરિવારને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉત્રાણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટી ‘શાલીગ્રામ હાઇટ્સ’માં બનેલી આ ઘટનાએ શહેરમાં ભય અને ચિંતા બંને ફેલાવી દીધી હતી.
મળતી માહિતી મુજબ, ગોરધનભાઈ ડોંડા પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. ગત 10મી તારીખે બપોરના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર એક થેલી લટકતી નજરે પડી હતી. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ આપવાની પરંપરા હોવાથી તેમણે કોઈ શંકા કર્યા વિના તે અંદર લઇ ગયા હતા. થેલીમાં બુંદીના લાડુ હતા, જેને પરિવારના સભ્યો સાથે વહેંચીને ખાધા હતા.
પરંતુ થોડા જ સમયગાળામાં પરિસ્થિતિએ નાટકીય વળાંક લીધો હતો. ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્રવધુને અચાનક ચક્કર આવવા, ઉલટી અને ભારે બેચેની જેવી લક્ષણો અનુભવાવા લાગ્યા હતા. પરિવારજનોમાં ગભરાટ ફેલાયો અને તાત્કાલિક ત્રણેયને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક તપાસ દરમિયાન જ આ મામલો સામાન્ય ફૂડ પોઈઝનિંગથી વધુ ગંભીર હોવાની આશંકા વ્યક્ત કરી હતી. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચેલા લાડુના નમૂનાઓ તપાસ માટે મંગાવવામાં આવ્યા. તપાસ દરમિયાન લાડુમાંથી ઝેરી ગોળીઓ મળી આવતાં તબીબી સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. આ ગોળીઓ સામાન્ય રીતે અનાજ માટે વપરાતી હોવાની માહિતી સામે આવી હતી, જે માનવ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.
આ ખુલાસા બાદ સ્પષ્ટ થયું કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત ષડયંત્ર હતું. જે બાદ હવે આ સમગ્ર ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.