ડિલિમિટેશન બાદ ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો વધશે?

Spread the love
મોદી સરકારનો ઇરાદો લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 815 કરવાનો છે

 

ગુરુવારથી શરૂ થયેલા સંસદના ત્રણ દિવસીય વિશેષ સત્રમાં મોદી સરકારે ડિલિમિટેશન બિલ રજૂ કર્યું હતું. સંસદના નીચલા ગૃહમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા રજૂ કરાયેલ બંધારણ (એકસો એકત્રીસમો સુધારો) બિલ, 2026, લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 815 કરવાનો છે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલે 16 એપ્રિલે સંસદમાં ત્રણ બિલ રજુ કર્યા હતા, જેનો ઉદ્દેશ મહિલાઓ માટે અનામત લાગુ કરવાનો અને લોકસભાની બેઠકો વધારવાનો હતો.

 

મેઘવાલે કહ્યું, “લોકસભાના સભ્યોની સંખ્યામાં 50 ટકા વધારો કરવામાં આવશે. જેથી લોકસભાના સભ્યોની સંખ્યા વધીને 815 થઈ જશે, તેમાં 272 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.”

 

તેમણે એમ પણ કહ્યું, “મહિલાઓ માટે અનામત લાગુ થયા બાદ ન તો પુરુષો ન તો કોઈ રાજ્યને કોઈ નુકસાન થશે.”

 

સપ્ટેમ્બર 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ કે મહિલા અનામત અધિનિયમ અંતર્ગત, લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવામાં આવી હતી.

 

મેઘવાલે કહ્યું કે આ સંશોધન એટલા માટે લાવવામાં આવ્યું છે કારણકે અનામત હાલની વસ્તીગણતરી સાથે જોડાયેલું હતું. એવામાં 2029ની સામાન્ય ચૂંટણી પહેલાં લાગુ કરવાનું સંભવ ન થઈ શક્યું હોત.

 

લોકસભામાં આ મામલે ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે આમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈની સાથે ભેદભાવ કરાશે નહીં. કોઈની સાથે અન્યાય થશે નહીં.”

 

“પહેલાં કરવામાં આવેલા ડિલિમિટેશનના ગુણોત્તરમાં કોઈ ફેરફાર થશે નહીં, નવું ડિલિમિટેશન તે મુજબ જ કરવામાં આવશે.”

 

તેમણે કહ્યું, “જો તમને ગૅરંટીની જરૂર હોય, તો હું તમને ગૅરંટી આપીશ.”

 

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ તેને ‘આગામી ચૂંટણીઓ માટે ભાજપની રણનીતિ’ ગણાવી, જ્યારે કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે ‘ડિલિમિટેશનની તુલના નોટબંધી સાથે’ કરી.

 

દક્ષિણ ભારતમાં ડિલિમિટેશનનો વિરોધ થઈ રહ્યો છે.

 

તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન અને તેમની પાર્ટી ડીએમકેએ કાળા ઝંડા બતાવીને ડિલિમિટેશન બિલનો વિરોધ કર્યો હતો.

 

બીજી તરફ, ચંદ્રશેખર રાવની પાર્ટી બીઆરએસે પણ કેન્દ્ર સરકાર સામે લડવાની જાહેરાત કરી છે.

 

ડિલિમિટેશન બાદ ગુજરાતને કેટલી બેઠકો?

લોકસભામાં હાલ 543 બેઠકો છે, જે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે વહેંચાયેલી છે.

 

સરકારની યોજના લોકસભાની ક્ષમતા વધારીને 815 કરવાની છે.

 

બેઠકની ફાળવણી અંગે ખરડામાં સ્પષ્ટતા ન હોવા છતાં બે શક્યતા છે:

 

• લોકસભાના વિસ્તરણ માટે રાજ્યો પોતાના ભાગ બેઠકોની ટકાવારી જાળવી રાખશે.

 

• વસ્તીની સંખ્યાના પ્રમાણસર બેઠકોમાં વધારાનો નિર્ણય લેવાય. બિલ પ્રમાણે વસ્તીગણતરીના તાજા પ્રકાશિત આંકડાનો કમિશન દ્વારા ઉપયોગ કરાશે, જે મુજબ 2011ની વસ્તીગણતરીના આંકડાનો આધાર લેવાઈ શકે છે.

 

ડિલિમિટેશન બાદ ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં વધારો થવાની શક્યતા છે.

 

અત્યાર સુધી ગુજરાતની લોકસભા બેઠકો જે 26 છે તેમાં વધારો થવાની શક્યતા છે.

 

આ બિલ અનુસાર, જે આ પ્રમાણે હોય શકે છે, જો કુલ બેઠકોની સંખ્યામાં 50%નો વધારો કરવામાં આવે, તો ગુજરાતની બેઠકોની સંખ્યા વધીને 39 થઈ શકે છે. એટલે કે ગુજરાતની લોકસભાની કુલ 26 બેઠકોમાં 13 બેઠકોનો વધારો થઈ શકે.

 

સત્તાપક્ષ અને વિપક્ષનું શું કહેવું છે?

સંસદમાં ત્રણ દિવસીય વિશેષ સત્રના બીજા દિવસે લોકસભામાં બોલતી વખતે ડીએમકે સાંસદ કનિમોઈ કરુણાનિધિએ ડીલિમિટેશન (પુન: સીમાંકન) બિલના ટાઇમિંગ અને મહિલા અનામતને તેની સાથે સાંકળવાની વાત પર સવાલ ઉઠાવ્યો.

 

સાથે જ તેમણે મહિલા અનામત મુદ્દે ચર્ચા વચ્ચે ગુરુવાર રાત્રે આ અંગે અધિસૂચના જાહેર કરી દેવાની વાત પર પણ સવાલ ઉઠાવ્યો.

 

તેમણે કહ્યું, “જ્યારે મહિલા અનામત મુદ્દે સંસદમાં ચર્ચા ચાલી રહી છે તો ગઈ કાલ રાત્રે તેને અધિસૂચિત કરવાનો શો અર્થ છે?”

 

કનિમોઈએ તેને ‘ટ્રૅપ’ એટલે કે જાળ ગણાવી, જ્યારે દક્ષિણનાં રાજ્યોના અન્ય વિપક્ષના સાંસદોએ પ્રતિનિધિત્વ ઘટવાની આશંકા વ્યક્ત કરી.

 

ગુરુવારે ચર્ચાના પ્રથમ દિવસે વડા પ્રધાને વિપક્ષનાં દળોની આશંકા અંગે કહ્યું હતું કે, “પહેલાં જે સીમાંકન થયું છે અને અગાઉનું જે પ્રમાણ ચાલતું આવે છે, તેમાં કોઈ બદલાવ નહીં થાય. એ પ્રમાણે જ પુન: સીમાંકન થશે.”

 

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ટ્વીટ કરીને કહ્યું કે, “સંસદમાં ધારાસભાઓમાં મહિલા અનામતનો માર્ગ મોકળો કરતા ઐતિહાસિક બિલ પર ચર્ચા ચાલી રહી છે. ગઈ કાલે શરૂ થયેલી ચર્ચા મોડી રાત્રે એક વાગ્યા સુધી ચાલી અને આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી તેના પર ચર્ચા થઈ રહી છે. સરકાર આ બિલની હકીકતો અને તેના તર્ક અંગેનાં બધાં ભય અને ગેરસમજનું નિરાકરણ લાવી છે. બધી ચિંતાઓનું નિરાકરણ લાવીને ખૂટતી માહિતી પૂરી પાડવામાં આવી છે.”

 

તેમણે આગળ કહ્યું કે, “લગભગ ચાર દાયકા સુધી ધારાસભાઓમાં મહિલા અનામત મુદ્દે અતિશય વિલંબ કરવામાં આવ્યો. હવે સમય પાકી ગયો છે કે દેશની અડધી વસતીને નિર્ણયપ્રક્રિયામાં તેનો ન્યાયિક હક અપાય. સ્વતંત્રતાના આટલા દાયકા પછી પણ આ ક્ષેત્રમાં મહિલાઓનું આટલું મર્યાદિત પ્રતિનિધિત્વ હોવું એ યોગ્ય બાબત નથી. થોડી વારમાં લોકસભામાં આના પર મતદાન થશે. હું બધા રાજકીય પક્ષોને આ અંગે કાળજીપૂર્વક વિચારી અને મહિલા અનામતની તરફેણમાં મતદાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવાની અપીલ કરું છું.”

 

વડા પ્રધાન મોદીએ મહિલા અનામત બિલની તરફેણમાં આગળ લખ્યું કે, “નારી શક્તિ વતી હું બધા સભ્યોને એવી પણ વિનંતી કરવા માગું છું કે તેઓ ભારતની મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવું કંઈ ન કરે. કરોડો મહિલાઓ આપણને, આપણા ઇરાદા અને નિર્ણયોને જોઈ રહી છે… હું ફરી એક વાર નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાને ટેકો આપવાની વિનંતી કરું છું.”

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા અનામત અને પુન: સીમાંકન બિલ અંગેની ચર્ચામાં કહ્યું, “પહેલું સત્ય તો એ છે કે આ મહિલા બિલ નથી. તેના મહિલા સશક્તીકરણ સાથે કોઈ લેવાદેવા નથી. વર્ષ 2023માં આ ગૃહે જ મહિલા અનામત બિલ પાસ કર્યું હતું.”
“ભાજપમાં મારા મિત્રો અને શિક્ષકોએ કહ્યું હતું કે એ બિલ દસ વર્ષના ગાળામાં અમલમાં મુકાશે. મહિલાઓનું બિલ એ છે. આ ભારતના ચૂંટણીલક્ષી નકશાને બદલવા માટેનો એક પ્રયાસ છે, જેને છુપાવવા માટે ભારતની મહિલાઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જે ખરેખર તો આ એક શરમજનક કૃત્ય છે.”
તેમણે કહ્યું, “એ જૂનું બિલ લાવો અને વિપક્ષના સભ્યો હાલની ઘડીએ જ તેને પાસ કરવામાં મદદ કરશે. અમે આ ઘડીથી જ તેના અમલીકરણ માટે મદદ કરશું.”
ડિલિમિટેશન શું છે?

1970ના દાયકાથી ડિલિમિટેશન પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું જ પરિણામ છે.

 

સરળ શબ્દોમાં કહીએ તો, ડિલિમિટેશન સીમાઓને ફરીથી નક્કી કરવાની પ્રક્રિયા છે. તેનો હેતુ દર 10 વર્ષે વસ્તીગણતરી પછી તેને પૂરું કરવાનો હતો, જેથી વસ્તીમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખી શકાય. તેની પાછળનો મૂળ વિચાર એ સુનિશ્ચિત કરવાનો હતો કે રાજ્યોને તેમની વસ્તીના ગુણોત્તરમાં જ સીટો ફાળવવામાં આવે. જેનાથી દરેક સાંસદ કે પ્રતિનિધિની પાસે લગભગ સમાન સંખ્યામાં લોકોનું પ્રતિનિધિત્વ હોય.

 

આ પ્રક્રિયા બંધારણના ફકરા 81 અને 82 દ્વારા અનિવાર્ય કરી દેવામાં આવી છે. બંધારણનો ફકરો 81 કહે છે કે બધાં રાજ્યો માટે બેઠકો અને વસ્તીનો ગુણોત્તર, જ્યાં સુધી શક્ય હોય, એકસમાન હોવો જોઈએ. જ્યારે ફકરા 82માં કહેવામાં આવ્યું છે કે દરેક વસ્તીગણતરી પછી લોકસભાની સીટોનું પુનઃ સમાયોજન કરવું જોઈએ.

 

અગાઉ ક્યારે ક્યારે ડિલિમિટેશન થયું હતું ?

જોકે, ડિલિમિટેશનની આ પ્રક્રિયાને 1976માં બંધારણના 42મા સુધારાના માધ્યમથી અટકાવી દેવાઈ હતી. આ પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રાખવાનો હતો જ્યાં સુધી 2001ની વસ્તીગણતરીના આંકડા ઉપલબ્ધ ન થઈ જાય. તેનો તર્ક એ હતો કે રાજ્યોને વસ્તીવૃદ્ધિને સ્ટેબલાઇઝ કરવાની તક મળે.

 

2002માં બંધારણના 84મા સુધારાએ પુન:ડિલિમિટેશન પર લાગેલી રોકને 2026 સુધી વધારી દીધી, જેથી “રાજ્યોને વસ્તી સ્થિરતા હાંસલ કરવાની દિશામાં કામ કરવા માટે પ્રેરી શકાય.” તેનો અર્થ એ હતો કે પુન: ડિલિમિટેશનનું કામ 2026 પછી થનારી પહેલી વસ્તીગણતરી સુધી ટાળી દેવામાં આવશે.

 

જોકે, બિલ પુન:ડિલિમિટેશનની કાર્યવાહી “જેના માટે લાગતાવળગતા આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય એવી લેટેસ્ટ વસ્તીગણતરી” કે 2011ની વસ્તીગણતરી આધારે કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.

છેલ્લી વસ્તીગણતરીની પ્રક્રિયા, જે વર્ષ 2021માં યોજાવાની હતી, તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી. જૂન 2025માં, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું કે વસ્તીગણતરી 2027માં કરાશે.

 

ડિલિમિટેશન નહીં થવાના કારણે અને સમયની સાથે વસ્તીવૃદ્ધિમાં ઘણા અંતરનું પરિણામ એ આવ્યું કે ભારતનાં કેટલાંક રાજ્યોનું પ્રતિનિધિત્વ હવે ઓછું છે, જ્યારે અન્ય રાજ્યોનું પ્રતિનિધિત્વ જરૂરિયાત કરતાં વધારે છે.

 

જર્નલ ઑફ એશિયન ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ માટે વર્ષ 2024ના પોતાના એક સંશોધન લેખમાં પંકજ પટેલ અને ટીવી શેખર કહે છે, “આ વધુ સમૃદ્ધ રાજ્યોને, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, પરિવાર નિયોજન કાર્યક્રમો, સારી સ્વાસ્થ્ય સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ સ્તરોથી લાભ મળ્યો છે. તેના કારણે અહીં વસ્તીવૃદ્ધિની ગતિ ધીમી રહી છે. પરિણામ એ આવ્યું કે તેમની પાસે હવે વસ્તીની સાઇઝની સરખામણીમાં સંસદમાં વધુ સીટો છે. તેનાથી તેઓ રાજકીય રૂપે ઓવર રિપ્રેઝન્ટેશનની સ્થિતિમાં આવી ગયાં છે.

 

જ્યારે બીજી તરફ, ઉચ્ચ પ્રજનન દર વાળાં ઉત્તરનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ઓછું છે. મતલબ, તેમની વસ્તીની સાઇઝના ગુણોત્તરમાં તેમની પાસે બેઠકોની સંખ્યા ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *