35 વર્ષીય યુવક ધર્મેશ ગમારાની ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે બે વિધર્મી યુવકોએ કરેલી કરપીણ હત્યા બાદ ધંધુકામાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ચાર વર્ષ જૂના આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા ધંધુકાના કિશન ભરવાડ હત્યાકાંડ જેવો જ વધુ એક આવો કિસ્સો સામે આવતા ધંધુકામાં ફરી એકવાર ધંધુકામાં બે કોમના લોકો આમને સામને આવી જતા હિંસા ફાટી નીકળી હતી અને વાહનોમાં તોડફોડ, દુકાનોમાં આગચંપી અને પથ્થરમારો થયો હતો.
જે બાદ આ મુદ્દો આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ બનતા આ મામલે હાલ વિશ્વ હિન્દુ પરિષદનું નિવેદન સામે આવ્યું છે.
સમગ્ર મામલે હાલ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડ રબારીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે, ધંધુકામાં કિશન ભરવાડ હત્યાકાંડ હજુ આજ સુધી ગુંચવાયેલો છે, એ હજુ પત્યો પણ નથી, ત્યાં તો વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. દર એક-બે વર્ષમાં એકાદ આવી ઘટનાઓ હોય જ છે, વિધર્મી લોકો હિન્દુઓને મારી રહ્યા છે. માત્ર ધંધુકામાં જ આ પાંચમી ઘટના છે જેમાં હિન્દુ દીકરાની હત્યા થઈ છે. જે ગંભીર મુદ્દો છે અને ગુજરાત સરકાર કશું કરી રહી નથી.
આ પહેલી ઘટના નથી કે કોઈ વિધર્મી દ્વારા હિન્દુ સમાજના યુવકની હત્યા કરાઈ હોય. દરેક વખતે નાના મોટા ઝઘડાઓ થાય છે અને વિધર્મી લોકો હથિયાર કાઢી હુમલો કરી દે છે. તેની પાસે હથિયાર ક્યાંથી આવે છે? એ પણ વિચારવા જેવી વાત છે. આખા ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે અને પોલીસ આરોપીઓને પકડી જેલમાં નાખે છે. પરંતુ આ મુદ્દો માત્ર ધરપકડથી ખતમ નથી થતો. તેઓ વિવિધ ટેકનિકથી હત્યા કરી રહ્યા છે અને જેલમાં જઈને સુરક્ષિત થઈ જાય છે. સરકાર આ મામલે કંઈ વિચારતી નથી.
ગુજરાત VHP અધ્યક્ષ રણછોડ રબારીએ વધુમાં કહ્યું કે, વારંવાર હત્યાકાંડને અંજામ આપવો અને બાદમાં જેલ જવાનો સિલસિલો શરૂ થયો છે આ કોઈ સામાન્ય વાત નથી. આખા હિન્દુ સમાજને વિચારવાની જરૂર છે. અને હિન્દુ સમાજ એકઠો થાય ત્યારે તેઓને કંટ્રોલ કરવા આવે છે. પરંતુ જે લોકોને ખરેખર કંટ્રોલ કરવાના છે એ આઝાદ ફરી રહ્યા છે. વિધર્મી લોકો ખુલ્લેઆમ આવા ક્રાઈમ કરી ફરી રહ્યા છે અને એ લોકોને કોઈ પકડી રહ્યું નથી. ફરી તેઓ મનમાની કરી રહ્યા છે અને હિન્દુઓ તેમનો ભોગ બની રહ્યા છે. ગુજરાતમાં હિન્દુ સુરક્ષિત નથી એનું આ પાંચમું વરવું ઉદાહરણ છે, માટે હિન્દુઓએ જાગૃત રહેવું પડશે, પોતાની સુરક્ષા પોતે જ કરવી પડશે, સાથે જ સરકારે પણ આ મામલે વિચારવું જોઈએ.