ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે ઈરાની રાજદૂત ડો. મોહમ્મદ ફતહલીને તેડું મોકલ્યું હતું. આ મામલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતીય જહાજો પર થયેલા ગોળીબાર સાથે સંબંધિત છે. સાંજે 6:30 વાગ્યે ઈરાની રાજદૂત વિદેશ મંત્રાલયની ઓફિસે પહોંચ્યા હતા. તાજી માહિતી મુજબ, ઈરાની રાજદૂત અને ભારતીય વિદેશ મંત્રાલય વચ્ચે 15થી 20 મિનિટ સુધી બેઠક ચાલી હતી.
વિદેશ મંત્રાલયે પોતાની કડક આપત્તિ નોંધાવતા પૂછ્યું કે, ભારતીય જહાજ પર ફાયરિંગ કેવી રીતે કરવામાં આવ્યું હતું.
આ ઘટના વિશે માહિતી આપતા ઈરાનની IRGC નેવીએ જણાવ્યું કે, આજે બે ભારતીય જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં VLCC સુપરટેન્કર સન્માર હેરાલ્ડ પણ સામેલ છે, હોર્મુઝ સ્ટ્રેટથી પશ્ચિમ તરફ વળવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ જહાજ 2 મિલિયન બેરલ ઇરાકી ક્રૂડ લઈ જઈ રહ્યું હતું. આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વેરિફાઈડ મેરીટાઈમ ઓડિયો અને UKMTO રિપોર્ટ અનુસાર, ચેનલ 16ની ચેતવણી બાદ IRGC નેવીએ આ કાર્યવાહી કરી હતી, જેમાં ફાયરિંગ પણ સામેલ હતું.
બેઠક વિશે માહિતી આપવાનો ઈરાનનો ઇનકાર
બેઠક પછીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈરાનના રાજદૂત વિદેશ મંત્રાલય (MEA)માંથી બહાર નીકળતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક અંગે ઈરાની દૂતાવાસે કોઈ ટિપ્પણી કરવા કે નિવેદન જારી કરવાનો ઇનકાર કર્યો છે.