
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે આખી દુનિયા સુરક્ષા ચિંતાના અનોખા યુગમાંથી પસાર થઈ રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આ ચિંતાઓ વધી છે. આવી સ્થિતિમાં ભારત અને રશિયાએ લીધેલું આ પગલું ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. જ્યારે વિશ્વભરમાં વર્ષો જૂના સહયોગની ભાવના તૂટી રહી છે, ત્યારે બે મિત્ર દેશો વચ્ચે આવી પ્રકારની ડિફેન્સ પાર્ટનરશિપ પરસ્પર વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે.
ભારત અને રશિયા વચ્ચે ડિફેન્સ સહયોગને નવી દિશા આપનારા મહત્વપૂર્ણ કરાર હેઠળ હવે બંને દેશો એકબીજાની જમીન પર 3000 સુધીના સૈનિક, મર્યાદિત સંખ્યામાં નૌકાદળના જહાજો અને લશ્કરી વિમાનો તૈનાત કરી શકશે. આ વ્યવસ્થા ‘Indo-Russian Reciprocal Exchange of Logistics Agreement’ (RELOS) હેઠળ અમલમાં આવી છે, જેના પર ફેબ્રુઆરી 2025માં બંને દેશોએ હસ્તાક્ષર કર્યા હતા અને જે 12 જાન્યુઆરીથી અમલમાં આવી છે. રશિયાએ આ કરારને ડિસેમ્બર 2025માં ઔપચારિક મંજૂરી આપી હતી. રશિયાની અધિકૃત કાનૂની માહિતી અનુસાર, આ કરાર હેઠળ બંને દેશો એક સમયે મહત્તમ 5 યુદ્ધપોત, 10 લશ્કરી વિમાનો અને 3000 સૈનિકો તૈનાત કરી શકે છે. આ તૈનાતી 5 વર્ષ માટે રહેશે, જેને પરસ્પર સંમતિથી આગળ વધારી શકાય છે. રશિયન સંસદની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રથમ ઉપાધ્યક્ષ વ્યાચેસ્લાવ નિકોનૉવે (First Deputy Chairman of International Affairs Committee Vyacheslav Nikonov) આ પ્રાવધાનની પુષ્ટિ કરી છે.
આ કરાર અમલમાં આવતા બંને દેશો વચ્ચે લાંબા ગાળાના લશ્કરી સહયોગને નવી દિશા મળશે. ખાસ કરીને ભારત પાસે રહેલા રશિયન બનાવટના લશ્કરી સાધનોની સર્વિસિંગ અને લાંબા ગાળાની તૈનાતીમાં આ કરાર ખૂબ ઉપયોગી સાબિત થશે. ઉપરાંત, આ કરાર સંયુક્ત લશ્કરી અભ્યાસ, તાલીમ કાર્યક્રમો અને માનવતાવાદી સહાય અભિયાનને પણ આવરી લે છે. RELOS કરાર માત્ર લશ્કરી તૈનાતી સુધી મર્યાદિત નથી, પણ તેમાં લોજિસ્ટિક્સ સહયોગ માટે પણ વિશાળ વ્યવસ્થા છે. તેના હેઠળ યજમાન દેશ યુદ્ધપોતોને પોર્ટ સર્વિસ, રિપેરિંગ, પાણી, ખોરાક અને અન્ય ટેકનિકલ સાધનો આપશે. લશ્કરી વિમાનો માટે એર ટ્રાફિક કંટ્રોલ, ફ્લાઈટ માહિતી, નેવિગેશન સિસ્ટમ, પાર્કિંગ અને સુરક્ષા જેવી સુવિધાઓ મળશે. ઈંધણ, લ્યુબ્રિકન્ટ્સ અને ટેકનિકલ રિપેરિંગ જેવી સેવાઓ ચૂકવણીના આધારે મળશે.
આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના લશ્કરી બેઝ, જેમ કે એરબેસ અને પોર્ટ્સ સુધી પરસ્પર પહોંચ મેળવી શકશે. આથી ભારતને રશિયાના રણનીતિક રીતે મહત્વપૂર્ણ આર્કટિક વિસ્તારમાં પહોંચ મળશે, જ્યારે રશિયાને ભારતના લશ્કરી માળખાનો વ્યાપક ઉપયોગ કરવાની તક મળશે. આ કરાર સંયુક્ત તાલીમ, આપત્તિ રાહત અને સંભવિત સંયુક્ત અભિયાન માટે પણ માર્ગ ખુલ્લો કરશે, જેના કારણે બંને દેશોની સામરિક ભાગીદારી વધુ મજબૂત બનશે.