હર્ષદ મહેતા જેવો જ ખેલ? ટ્રમ્પના એક નિવેદનથી તેમના સાથીઓ કમાય છે કરોડો, સમજો આખું ઈનસાઈડર ટ્રેડિંગ

Spread the love
Trump insider trading: 1992 માં ભારતમાં હર્ષદ મહેતાએ ‘ઈનસાઈડર ટ્રેડિંગ’ કરીને 5,000 કરોડનું શેરબજાર કૌભાંડ કર્યું હતું, તે તો તમને યાદ જ હશે. હવે આવો જ કંઈક મોટો ખેલ અમેરિકામાં ચાલી રહ્યો હોવાની શંકા છે, અને તેમાં નિશાના પર છે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. એવો આરોપ છે કે ટ્રમ્પ કોઈ મોટી જાહેરાત કરે તેની થોડી જ મિનિટો પહેલા શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટમાં મોટા પાયે ‘ઈનસાઈડર ટ્રેડિંગ’ થાય છે, જેનાથી તેમના સમર્થકો કે અંદરના લોકો કરોડો રૂપિયાનો નફો કમાઈ લે છે.

ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ ઈનસાઈડર ટ્રેડિંગ શું છે અને આખી રમત કેવી રીતે રમાય છે.

પ્રશ્ન 1: ઈનસાઈડર ટ્રેડિંગ શું છે અને તે કેમ ગેરકાયદેસર છે?

 

જવાબ: ધારો કે સરકાર આવતીકાલે કોઈ કંપની માટે મોટો નિર્ણય લેવાની છે, જેની ખબર માત્ર અમુક મંત્રીઓ કે અંદરના લોકોને જ છે. જો આ ‘ગુપ્ત’ માહિતીનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ અગાઉથી જ શેરબજારમાં રોકાણ કરી દે અને મોટો નફો કમાય, તો તેને ઈનસાઈડર ટ્રેડિંગ કહેવાય. આ ગેરકાયદેસર છે કારણ કે આમાં અંદરની માહિતી ધરાવતા લોકોને જ ફાયદો થાય છે, જ્યારે સામાન્ય રોકાણકારોને મોટું નુકસાન વેઠવું પડે છે. ટ્રમ્પના કિસ્સામાં પણ એવું જ થાય છે. તેઓ નિવેદન આપે તે પહેલા જ અમુક લોકો માર્કેટમાં અબજો રૂપિયા લગાવીને મસમોટો નફો કરી લે છે.

 

પ્રશ્ન 2: ટ્રમ્પ પર ઈનસાઈડર ટ્રેડિંગના કયા આરોપો છે?

 

જવાબ: બીબીસીના રિપોર્ટ મુજબ, ટ્રમ્પની જાહેરાતો અને માર્કેટના ઉછાળા વચ્ચે એક ફિક્સ પેટર્ન જોવા મળી છે.

 

9 માર્ચ 2026: ટ્રમ્પે ઈરાન સાથેનું યુદ્ધ પૂરું થવાની જાહેરાત કરી, તેની 47 મિનિટ પહેલા જ ક્રૂડ ઓઈલ માર્કેટમાં મોટું ટ્રેડિંગ થયું, જેનાથી ઓઈલના ભાવ 25% ઘટ્યા અને અમુક લોકોએ લાખો ડોલર કમાઈ લીધા.

 

23 માર્ચ 2026: ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે ઈરાન સાથે સમાધાન થઈ ગયું છે. આ પોસ્ટની 14 મિનિટ પહેલા જ તેલના બજારમાં લગભગ 4,660 કરોડ રૂપિયાનો વેપાર થઈ ગયો!

 

3 જાન્યુઆરી 2026: વેનેઝુએલાના રાષ્ટ્રપતિના રાજીનામા પહેલા જ એક નવા એકાઉન્ટે મોટી શરત લગાવીને 4 લાખ ડોલરથી વધુ જીતી લીધા અને પછી તરત તે એકાઉન્ટ બંધ થઈ ગયું.

 

એપ્રિલ 2025 ટેરિફ: ટ્રમ્પે 9 એપ્રિલે ટેરિફ પર છૂટ આપી, તેની માત્ર 18 મિનિટ પહેલા જ શેરબજારમાં મોટું રોકાણ થયું અને અમુક વેપારીઓને 2 કરોડ ડોલરનો નફો થયો.

 

નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેને તો ખુલ્લો આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પના નજીકના લોકો આ અંદરની માહિતીથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

 

પ્રશ્ન 3: શું ટ્રમ્પ ખરેખર માસ્ટરમાઇન્ડ છે? કોણ કરી રહ્યું છે તપાસ?

 

જવાબ: અમુક નિષ્ણાતો માને છે કે આ ઈનસાઈડર ટ્રેડિંગનો જ ખેલ છે, તો અમુક કહે છે કે વેપારીઓ હવે ટ્રમ્પની બોલવાની સ્ટાઈલ સમજી ગયા છે એટલે અગાઉથી રિસ્ક લે છે. છતાં પેટર્ન એટલી શંકાસ્પદ છે કે અમેરિકાની કમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન (CFTC) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે.

 

પ્રશ્ન 4: સામાન્ય રોકાણકારો પર આની શું અસર થાય છે?

 

જવાબ: આનાથી સામાન્ય રોકાણકારોનો માર્કેટ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. તેમને લાગે છે કે બજારમાં અમીરોની જ ગોઠવણ ચાલે છે અને નાના માણસો માત્ર નુકસાન ભોગવવા માટે જ છે. વળી, આનાથી તેલ અને શેરબજારમાં અચાનક જે ઉતાર-ચડાવ આવે છે, તેની સીધી અસર મોંઘવારી અને સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે.

 

પ્રશ્ન 5: હવે આ તપાસમાં આગળ શું થશે?

 

જવાબ: CFTC ના ચેરમેન માઈકલ સેલિગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈનસાઈડર ટ્રેડિંગમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જોકે, આ સાબિત કરવું કાયદાકીય રીતે બહુ મુશ્કેલ છે કારણ કે માહિતી કોણે લીક કરી તે શોધવું લોઢાના ચણા ચાવવા સમાન છે. પરંતુ જો તપાસમાં કોઈ પાક્કા પુરાવા મળશે, તો ટ્રમ્પ સરકાર પર બહુ મોટું રાજકીય અને કાનૂની દબાણ આવશે તે નક્કી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *