ખુશીનો દિવસ માતમમાં ફેરવાયો: સુરતના જાણીતા ઉદ્યોગપતિની પુત્રવધૂએ ભર્યું અંતિમ પગલું, પરિવારમાં માતમ

Spread the love

સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા સુભાષનગરમાં એક દિલ હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના દાણા અને યાર્નના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા ઉદ્યોગપતિ કેજરીવાલ પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત એ છે કે જે તારીખે લગ્ન થયા હતા, તે જ તારીખે એટલે કે બરાબર બે મહિના પૂર્ણ થવાના દિવસે જ યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું.

બંગલાના ત્રીજા માળે જીવન ટૂંકાવ્યું

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતા અભિષેક કેજરીવાલના પત્ની ખ્યાતિ કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની વિગત એવી છે કે ખ્યાતિ બપોરે જમ્યા બાદ આરામ કરવા માટે ઉપરના રૂમમાં ગઈ હતી. સામાન્ય રીતે તે સાંજે રૂમની બહાર આવી જતી હોય છે, પરંતુ મોડે સુધી દરવાજો ન ખુલતા પરિવારને ચિંતા થઈ હતી. પરિવારે ખ્યાતિના પતિને ફોન કરીને જાણ કરી હતી. અંતે ડુપ્લીકેટ ચાવી વડે રૂમ ખોલવામાં આવતા ખ્યાતિનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

સુસાઇડ નોટ મળી નથી

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. કેજરીવાલ પરિવાર આર્થિક રીતે ખૂબ જ સધ્ધર છે અને પ્લાસ્ટિકના દાણા તેમજ યાર્ન ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સુખી સંપન્ન પરિવારમાં લગ્નના ટૂંકા ગાળામાં જ આવું પગલું કેમ ભર્યું તે પ્રશ્ન અત્યારે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

એસીપી વિજય મલ્હોત્રાએ આ ઘટના વિશે જણાવ્યું છે કે, લગ્નને હજુ માત્ર બે મહિના જ થયા હતા. પરિવારે બીજી ચાવીથી રૂમ ખોલ્યો ત્યારે ખ્યાતિ દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. લગ્નના બે મહિનામાં જ આપઘાતની ઘટના હોવાથી કાયદાકીય રીતે પણ તેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ખ્યાતિએ કયા માનસિક તણાવ કે કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસ તેના મોબાઈલ કોલ ડિટેલ્સ અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધી રહી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *