
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ મીડિયાને જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ચાલી રહેલી તપાસમાં બે બેન્કકર્મી અને એક બેન્ક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મૌલિક રામજીભાઈ કમાણીનો સમાવેશ થાય છે, જે યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે ફરજ બજાવતો હતો. મૌલિક કમાણી અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે મળીને લોકોની જાણ બહાર તેમના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરતો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજા આરોપી તરીકે કલ્પેશ ડાંગરીયાની ધરપકડ કરવામાં આવી છે, જે હાલ એક્સિસ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છે. કલ્પેશ અગાઉ યસ બેન્કમાં મેનેજર હતો ત્યારે સાયબર માફિયાઓને રોકડ રકમ ઉપાડવામાં અને ટ્રાન્ઝેક્શનમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે APMCના લેટર સબમિટ કરવા જેવી સલાહ આપતો હતો. આ ઉપરાંત, ત્રીજો આરોપી અનુરાગ બાલધા જે અગાઉ યસ બેન્કમાં પર્સનલ બેન્કર હતો અને હાલ HDFC બેન્કમાં ફરજ બજાવે છે, તેની પણ ધરપકડ કરવામાં આવી છે. અનુરાગે ખોટા ડોક્યુમેન્ટ અને ખોટી સહીઓ હોવા છતાં બેન્ક એકાઉન્ટ વેરિફિકેશનમાં મદદ કરી હતી.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ તમામ આરોપીઓ કમિશન મેળવવાની લાલચમાં અસામાજિક તત્વો સાથે મળીને બેન્કિંગ પ્રોસેસમાં સહયોગી બનતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૮૫ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં કુલ ટ્રાન્ઝેક્શન ૨૫૦૦ કરોડથી વધુ હોવાનું જણાયું છે.