અમદાવાદ: શહેરના જીવરાજ પાર્ક રોડ પર આવેલી એક સોસાયટીમાં થોડા દિવસો પહેલા એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એક લખાણ મળી આવ્યુ હતું. જેમાં મહિલાએ તેના પતિના ત્રાસ બાબતે આક્ષેપ કર્યો હતો. સાથે બનાવના દિવસે સવારે મહિલાને પતિ સાથે ઝઘડો થયો હોવાનું પરિવારના સભ્યએ જણાવતા વાસણા પોલીસે મૃતક મહિલાના પોલીસકર્મી પતિ સામે દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબેને વર્ષ 2013માં પોલીસ ખાતામાં નોકરી કરતા અર્જુનસિંહ પુરોહિત સાથે લગ્ન કર્યા હતા. ગત તા.15 એપ્રિલે અર્જુનસિંહે તેમના સાળાને ફોન કર્યો હતો અને ગીતા ખૂબ પરેશાન છે, તેને સમજાવો. દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા પરેશાન હોવાથી ગીતા ઊંઘની ગોળી લઇને સૂઇ ગઇ હોવાની જાણ તેના પતિ અર્જુનસિંહે પોતાના સાળાને ફોન પર કરી હતી.
સમગ્ર મામલાની જાણ થતા જ ગીતા સાથે કંઈક અજુગતું થયું હોવાનું અનુમાન લગાવી તેના ભાઇએ બપોરે વીડિયો કોલ કરી પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગીતા અર્ધબેભાન અવસ્થામાં હતા. જેથી ગીતાની હાલત જોઈ તેનો ભાઇ બેચેની સાથે તેના ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાનમાં ગીતાબેનના જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.
બાદમાં ગીતાબેનના પરિવારના સભ્યો તાત્કાલિક ગીતાના ઘરે દોડી આવ્યા હતા અને તેની લાશનું વીડિયોગ્રાફી સાથે પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. આ દરમિયાનમાં પોલીસકર્મી અર્જુનસિંહના ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા કાકીનો ઝઘડો થયાની ગીતાબેનના ભાઇને જાણ કરી હતી. સાથે જ સમગ્ર મામલે તપાસ કરતા ઘરમાંથી ગીતાએ લખેલું એક લખાણ પણ મળી આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, “ભાઇને બોલા થા બચ્ચો કે સામને દેખ લે, અબ બચ્ચે ભી ધોખા દે રહે હે મેં ઉનકા દુખ નહિ દેખ પા રહી હુ પાગલ હો ગઇ હું”.
વધુમાં ગીતાને અગાઉ પણ અનેક વાર પોલીસકર્મી પતિ અર્જૂનસિંહ સાથે ઝઘડા થયા હોવાથી તે બે ત્રણ વખત પિયર રિસામણે ગયા હતા. ઘટનાના આગલા દિવસે પણ ગત તા.14મીએ પણ પતિ સાથે ઝઘડો થતાં તેણીએ એક વીડિયો વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો હતો. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈને પતિના ત્રાસથી કંટાળીને ગીતાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે ગીતાબેનના ભાઇએ અર્જુનસિંહ પુરોહિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
