મણિનગરમાં પાડોશી મહિલાની ચતુરાઈથી વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટના શિકાર બનતા બચ્યા

Spread the love
પહેલો સગો પાડોશી’ – આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો મણિનગરમાં જોવા મળ્યો છે. એક વૃદ્ધ દંપતી સતત ત્રણ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટની જાળમાં ફસાયા હતા. તેઓ છેતરપિંડી કરનાર ટોળકીને ₹23 લાખ ટ્રાન્સફર કરવાની તૈયારીમાં જ હતા, ત્યાં જ પાડોશમાં રહેતા એક મહિલા સમયસૂચકતા વાપરીને દોડી આવ્યા હતા. તેમણે જાગૃતિ દાખવીને વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટના આતંકમાંથી સહીસલામત ઉગારી લીધા હતા.

મણિનગરમાં આવેલા તપસ્વી એપાર્ટમેન્ટમાં 70 અને 71 વર્ષના વયોવૃદ્ધ દંપતી રહે છે. દંપતીનાં બંને સંતાનો વ્યવસાય અર્થે ઘણા વર્ષોથી શહેર અને રાજ્યની બહાર વસવાટ કરે છે. થોડા દિવસ અગાઉ બહારગામ રહેતી તેમની પુત્રીએ માતા-પિતાને અનેક ફોન કર્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. આથી ચિંતાતુર પુત્રીએ પાડોશમાં રહેતા મહિલાને ફોન કરીને વિનંતી કરી કે, ‘કાકી, મેં મમ્મી અને પપ્પાને ઘણા ફોન કર્યા પણ તેઓ ઉપાડતા નથી, જરા મારા ઘરે જઈને તપાસ કરશો?’

 

પાડોશી મહિલાએ તુરંત જ વૃદ્ધાના ઘરે જઈ દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું કે તેઓ પુત્રીનો ફોન કેમ ઉપાડતા નથી? ત્યારે વૃદ્ધાએ ‘કશું નથી થયું, બસ એમ જ’ કહીને ઉતાવળમાં દરવાજો બંધ કરી દીધો હતો.

 

આ પ્રકારનું અસાધારણ વર્તન જોઈને પાડોશી મહિલાને કોઈ અજુગતું બન્યું હોવાની શંકા ગઈ. બીજી તરફ પુત્રી પણ ફોન પર હોવાથી તેણે આશંકા વ્યક્ત કરી કે, ‘કાકી, મને આ ડિજિટલ એરેસ્ટ જેવું લાગે છે, તમે ફરી એકવાર ઘરે જઈને તપાસ કરો.’ આથી પાડોશી મહિલા પુનઃ ત્યાં પહોંચ્યા અને જેવો વૃદ્ધાએ દરવાજો ખોલ્યો કે તુરંત તેઓ ઘરની અંદર પ્રવેશ્યા. ત્યાં તેમણે જોયું કે મોબાઈલ ફોન પર વીડિયો કોલ ચાલુ હતો, જેનાથી સ્પષ્ટ થયું કે દંપતી ડિજિટલ એરેસ્ટમાં છે. ચતુર પાડોશીએ ઈશારાથી વૃદ્ધ દંપતીને ઘરની બહાર બોલાવ્યા અને ત્યારબાદ પુત્ર-પુત્રી સાથે વાત કરાવીને તેમને વાસ્તવિકતાથી માહિતગાર કર્યા. પાડોશી મહિલાએ 112 નંબર પર ફોન કરીને પોલીસની સહાય માંગતા મણિનગર પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ તપસ્વી એપાર્ટમેન્ટ પહોંચી હતી. પોલીસની હાજરી જોઈને છેતરપિંડી કરનાર ટોળકીએ તુરંત ફોન કાપી નાખ્યો હતો.

 

ફિક્સ્ડ ડિપોઝિટ તોડો નહિતર જેલમાં મોકલીશું તેવી ધમકી આપી

 

ડિજિટલ એરેસ્ટ કરનારી ટોળકીનો એક સભ્ય નકલી કોર્ટરૂમમાં ન્યાયાધીશની ખુરશી પર બેઠો હતો. તેણે વૃદ્ધ દંપતીને ધમકાવતા કહ્યું હતું કે, ‘તમારી ₹23 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ તોડીને સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવો, નહિતર તમારામાંથી એકને કર્ણાટક અને બીજાને આંધ્ર પ્રદેશની જેલમાં મોકલી દઈશું.’

 

વૃદ્ધ દંપતીને સતત ત્રણ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા

 

સાયબર અપરાધીઓએ એકાકી જીવન જીવતા વૃદ્ધ દંપતીને નિશાન બનાવી અલગ-અલગ બહાના હેઠળ સતત ત્રણ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને ધમકાવ્યા હતા. તેઓ દંપતી પાસેથી નાણાં પડાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા અને અંતે 23 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવી બચત ખાતામાં જમા કરાવવા દબાણ કરી રહ્યા હતા.

 

પોલીસ દ્વારા પાડોશી મહિલાનું સન્માન કરાયું

 

વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટની ચુંગલમાંથી બચાવનાર પાડોશી મહિલાનું મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. પાડોશી મહિલાએ જે રીતે સતર્કતા દાખવી અને પાડોશમાં રહેતા વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરનારાઓની જાળમાંથી બચાવ્યા અને સાથે સાથે સમય સુચકતા વાપરીને સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ પણ કરી હતી. જેના પરિણામે વૃદ્ધ દંપતીના રૂ.23 લાખ પણ બચી ગયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *