
તેથી, મતદાતાઓએ અને સામાન્ય જનતાએ આકરા તાપમાં શેકાવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. જોકે, મે મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની અને પ્રિ-મોનસૂન વરસાદ પડવાની પણ શક્યતા છે, જે ભવિષ્યમાં થોડી રાહત આપી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ગરમ સૂકા પવનોને કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ 2 થી 3 ડિગ્રી ઊંચો જઈ શકે છે. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો રાજ્યના 11 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જેમાં અમરેલીમાં સૌથી વધુ 43.3 ડિગ્રી, રાજકોટમાં 43.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી જેટલું આકરૂં તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદમાં 42.1, કેશોદમાં 42, ગાંધીનગર અને વડોદરામાં 41.5, ભુજમાં 41.4, વલ્લભવિદ્યાનગરમાં 40.9, ડીસામાં 40.3 અને સુરતમાં 40 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ખાસ કરીને ચૂંટણીના મતદાનના દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને આંબી શકે છે, જેથી આજે યલો એલર્ટ અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સરેરાશ તાપમાન 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આકરી ગરમી અંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે, આજથી લઈને 28 એપ્રિલ સુધી રાજ્યમાં આકરો તાપ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અંગ દઝાડતી ગરમી પડવાનું સીધું અનુમાન છે. આ સાથે જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીની પાર પહોંચી જવાની પૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલે કે, હાલ પૂરતી ગરમીમાંથી કોઈ મોટી રાહત દેખાઈ રહી નથી.
જોકે, અંબાલાલ પટેલે ગરમીથી ત્રસ્ત લોકો માટે એક સારા સમાચાર પણ આપ્યા છે. તેમના અનુમાન મુજબ, 29 એપ્રિલથી લઈને મે મહિનાની શરૂઆતમાં દેશ અને રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન દેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. તેની અસર રૂપે, રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાતના સરહદી જિલ્લાઓમાં પણ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ખાબકી શકે છે, જેનાથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરે તેવી આશા છે.