અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલી હિલ્ટન હોટલમાં યોજાયેલા વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન થયેલી ફાયરિંગની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે ડિનરમાં હાજરી આપવા હોટલમાં પહોંચ્યા હતા. હોટલના એક બોલરૂમ (Ballroom)માં આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળેલી માહિતી અનુસાર, હોટલના બોલરૂમ કે જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજર હતા ત્યાં લોખંડી સુરક્ષા હતી. પરંતુ હોટલના અન્ય વિસ્તારોમાં, ખાસ કરીને લોબી અને જાહેર જગ્યાઓમાં સુરક્ષા એટલી કડક નહોતી. આ જ સુરક્ષાની ખામી આ ઘટનાનું મુખ્ય કારણ બની હોય તેવું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે હોટલમાં આ કાર્યક્રમ યોજાય છે, તે સામાન્ય રીતે સંપૂર્ણપણે બંધ કરવામાં આવતી નથી. આ હોટલ સામાન્ય મહેમાનો માટે પણ ખુલ્લી રહે છે. આ જ કારણે શૂટર હથિયાર સાથે હોટલની અંદર પહોંચી ગયો હશે.
દર વર્ષે આ હોટલમાં જ યોજાય છે કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર
દર વર્ષે આ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં જ યોજાતું આવ્યું છે. પરંપરાગત રીતે હોટલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવતી નથી. સુરક્ષા એજન્સીઓ મુખ્યત્વે બોલરૂમ અને વીઆઈપી એરિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે અન્ય જગ્યાઓમાં પ્રવેશ સામાન્ય રીતે સરળ રહે છે.
પ્રત્યદર્શીએ શું કહ્યું?
ઘટના દરમિયાન હોટલની લોબીની આસપાસ અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો. પ્રત્યદર્શીના કહેવા પ્રમાણે, અંધાધૂંધ ફાયરિંગનો અવાજ આવ્યો, જેથી હોટલની અંદર હાજર લોકો ગભરાઈ ગયા. તરત જ અમેરિકી સુરક્ષા એજન્સી યુએસ સિક્રેટ સર્વિસે કાર્યવાહી કરીને ટ્રમ્પ અને અન્ય ટોચના નેતાઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ દરમિયાન અનેક હાઈ-પ્રોફાઈલ નેતાઓને પણ તરત જ બહાર કાઢવામાં આવ્યા, જેમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓએ આખી હોટલને ઘેરી લીધી અને નેશનલ ગાર્ડના જવાનોને અંદર તૈનાત કરી દીધા.
સિક્રેટ સર્વિસે શૂટરને પકડી પાડ્યો
રિપોર્ટ્સ અનુસાર, શૂટરને ઘટનાસ્થળે જ સુરક્ષા દળોએ પકડી લીધો છે અને કોઈને ઇજા પહોંચી હોવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં, આ ઘટનાએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આટલો મોટો અને સંવેદનશીલ કાર્યક્રમ હોવા છતાં હોટલના જાહેર વિસ્તારોમાં સુરક્ષામાં ચૂક રહી ગઈ હતી.
