કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલે સોમનાથના દર્શને આવશે

Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ આગામી ૨૭ અને ૨૮ એપ્રિલ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટેનો તેમનો આ પ્રવાસ રાજકીય અને ધાર્મિક બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણીના પરિણામો પૂર્વે તેમની આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

સૂત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર, અમિત શાહ ૨૭ એપ્રિલના રોજ બપોર બાદ સોમનાથ આવી પહોંચશે. તેઓ સોમનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે અને બીજા દિવસે એટલે કે ૨૮ એપ્રિલના રોજ વહેલી સવારે ભગવાન સોમનાથના દર્શન, પૂજા તથા વિશેષ અભિષેક વિધિ સંપન્ન કરીને પરત રવાના થશે.

 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, તે પૂર્વે ગૃહમંત્રી સોમનાથ દાદાના આશીર્વાદ લેવા આવી રહ્યા છે. અમિત શાહ સોમનાથ મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે અને અગાઉ પણ અનેક મહત્વના રાજકીય પ્રસંગો કે નિર્ણયો લેતા પહેલા તેઓ અહીં દર્શનાર્થે આવતા રહ્યા છે.

 

ગૃહમંત્રીના સંભવિત આગમનને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સાથે ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફારો કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *