
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાનો ખીનજી પરિવાર રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો.
ત્યારે કાલોલ પાસેથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર અચાનક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારની ઝડપ એટલી વધુ હતી કે તે હાઈવે પરના મજબૂત ડિવાઈડરને કૂદીને રસ્તાની બીજી તરફ ફંગોળાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર હવામાં ફંગોળાઈને પછડાતા જ તેના ફુરચા ઉડી ગયા હતા.
નસીબજોગે પરિવારના એક સભ્યનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. એક જ પરિવારના ત્રણ ભાઈઓ અને એક ભત્રીજાના સામૂહિક મોતથી વડોદરામાં રહેતા તેમના સગા-સંબંધીઓ અને પડોશીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. હાઈવે પેટ્રોલિંગની ટીમ અને કાલોલ પોલીસનો કાફલો પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પહોંચેલા સ્વજનોના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
પંચમહાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટાયર ફાટવાને કારણે અથવા ઊંઘનું ઝોકું આવી જવાને કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. જોકે, એફએસએલની મદદ લઈને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ પ્રયત્ન કરી રહી છે.
મૃતકોના નામ
1. સાજિદ ઈકબાલ ખીનજી (55 વર્ષ)
2. ઈલિયાસ ઈકબાલ ખીનજી (50 વર્ષ)
3. ઈશાક ઈકબાલ ખીનજી (48 વર્ષ)
4. રેહાન અજગર ખીનજી (35 વર્ષ)