અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે ટેન્શન અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. 60 વર્ષ સુધી સાથે રહ્યા બાદ, UAE એ આર્થિક કારણો અને બદલાતા વૈશ્વિક ઉર્જા સમીકરણોને લીધે પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન (OPEC) અને OPEC+ માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
આ નિર્ણયથી વૈશ્વિક તેલ બજાર, સાઉદી અરેબિયા અને ખાસ કરીને ભારત જેવા મોટા આયાતકાર દેશો પર શું અસર પડશે, તે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.
શા માટે UAE OPEC માંથી બહાર નીકળ્યું?
UAE લાંબા સમયથી OPEC પાસે પોતાનો ઉત્પાદન ક્વોટા વધારવાની માંગ કરી રહ્યું હતું, જેથી તે પોતાની તેલ ઉત્પાદન ક્ષમતા વધારી શકે. પરંતુ તેમાં કોઈ ઉકેલ ન આવતા છેવટે તેણે રશિયા સહિતના OPEC+ ગ્રુપમાંથી પણ બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, OPEC ની સ્થાપના 1960 માં સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, વેનેઝુએલા અને કુવૈત દ્વારા કરવામાં આવી હતી, જેમાં UAE 7 વર્ષ પછી જોડાયું હતું. દુનિયાના ટોપ 10 ઓઇલ ઉત્પાદકોમાં સામેલ UAE વૈશ્વિક તેલ ઉત્પાદનમાં લગભગ 3% થી 4% હિસ્સો ધરાવે છે. આખું OPEC જૂથ દુનિયાના 36% તેલનું ઉત્પાદન કરે છે અને 80% ભંડાર પર નિયંત્રણ ધરાવે છે, તેથી UAE નું જવું એ સંગઠન માટે બહુ મોટો ફટકો છે.
OPEC અને સાઉદી અરેબિયા પર શું અસર થશે?
નિષ્ણાતોના મતે, આ પગલાથી OPEC એ પોતાની કુલ ઉત્પાદન ક્ષમતાનો લગભગ 15% હિસ્સો અને સંગઠનના સૌથી શિસ્તબદ્ધ સભ્યોમાંથી એક ગુમાવ્યો છે. આંકડા મુજબ, UAE વાર્ષિક આશરે 2.9 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે, જ્યારે OPEC નું નેતૃત્વ કરતું સાઉદી અરેબિયા લગભગ 9 મિલિયન બેરલ ઉત્પાદન કરે છે. હવે સાઉદી અરેબિયા માટે બાકીના સભ્યોને એકજૂટ રાખવા અને બજારનું સંતુલન જાળવવાનો બોજ એકલા હાથે ઉપાડવો ખૂબ જ મુશ્કેલ બની જશે. એવો ડર પણ સેવાઈ રહ્યો છે કે કદાચ અન્ય સભ્ય દેશો પણ આવનારા સમયમાં UAE ના પગલે ચાલી શકે છે.
ભારત અને ક્રૂડ ઓઇલના ભાવ પર શું અસર પડશે?
UAE ના આ નિર્ણયથી મધ્ય પૂર્વના દેશોના રાજકારણ અને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટના વિવાદને લીધે પહેલેથી જ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જોકે, ભારત જેવા દેશો માટે આ નિર્ણય રાહત લાવશે કે નહીં તે કહેવું અત્યારે થોડું વહેલું ગણાશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, જો સંગઠનમાંથી બહાર નીકળીને UAE પોતાનું તેલ ઉત્પાદન વધારશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટી શકે છે, જેનો સીધો ફાયદો ભારતને થશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત અને UAE ના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે અને એક મોટી વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણમ્યા છે. આજે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને વિદેશી સીધા રોકાણ (FDI) નો મુખ્ય સ્ત્રોત બની ચૂક્યો છે, જે ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત છે.
