વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે એક નવો વિકલ્પ ઉભરી રહ્યો છે. પહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અમેરિકા, બ્રિટન, કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતાં હતા. પરંતુ હવે આ દેશોમાં વીઝા નિયમો કડક થઈ રહ્યા છે અને નોકરીની તકો પણ ઘટી રહી છે. આવી સ્થિતિમાં યુરોપના ઘણા દેશો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે.
અહીં અભ્યાસનો ખર્ચ પણ અન્ય દેશો કરતા ઓછો છે અને ડિગ્રી પૂર્ણ કર્યા પછી નોકરી શોધવાની સુવિધા પણ મળે છે. આ જ કારણ છે કે, હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે યુરોપ ફેવરિટ જોબ ડેસ્ટિનેશન બની રહ્યું છે.
1. જર્મની
યુરોપના ઘણા દેશો એવા છે જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને ત્યાં રહેવાની અને નોકરી શોધવાની મંજૂરી આપે છે. સૌથી પહેલા જર્મનીની વાત કરીએ તો, અહીંની યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ જોબ સીકર વીઝા માટે અરજી કરી શકે છે. આ વીઝાનો સમયગાળો 18 મહિના સુધીનો હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ નોકરી શોધી શકે છે અને જો નોકરી મળી જાય, તો તે જ પરમિટ પર કામ પણ શરૂ કરી શકાય છે. જર્મની ઓછી ફીમાં ઉપલબ્ધ કોર્સ માટે પણ જાણીતું છે.
2. ઓસ્ટ્રિયા
ઓસ્ટ્રિયા પણ વિદ્યાર્થીઓને આવી જ તક આપે છે. અહીં ગ્રેજ્યુએશન પછી 6 મહિનાનો જોબ સીકર વીઝા મળે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ દેશમાં રહી શકે છે અને નોકરી શોધી શકે છે. જો કે, આ વીઝા પર સીધું કામ કરવાની મંજૂરી હોતી નથી, પરંતુ જેવી નોકરી મળે કે તરત જ વિદ્યાર્થીઓ ‘રેડ-વ્હાઇટ-રેડ કાર્ડ’ માટે અરજી કરી શકે છે અને નોકરી શરૂ કરી શકે છે.
3. સ્વીડન
સ્વીડનમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા છે. અહીં અભ્યાસ પૂર્ણ કર્યા પછી જોબ શોધવા માટે અલગ વીઝા આપવામાં આવે છે. જેનો સમયગાળો ઓછામાં ઓછો 3 મહિના હોય છે અને જરૂર પડ્યે તેને 9 મહિના સુધી વધારી શકાય છે. આ વીઝા માટે વિદ્યાર્થીની પાસે બેચલર્સ ડિગ્રી હોવી જરૂરી છે. સાથે જ એ પણ સાબિત કરવું પડે છે કે તે પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે.
4. પોર્ટુગલ
પોર્ટુગલમાં જોબ સીકર વીઝા દ્વારા 120 દિવસ સુધી નોકરી શોધવાનો સમય મળે છે, જેને વધારાના 60 દિવસ માટે લંબાવી શકાય છે.
5. નેધરલેન્ડ
નેધરલેન્ડ આ બાબતમાં સૌથી બેસ્ટ વિકલ્પોમાં ગણવામાં આવે છે. અહીં વિદેશી વિદ્યાર્થીઓને ‘ઓરિએન્ટેશન યર પરમિટ’ આપવામાં આવે છે, જેની વેલિડિટી 12 મહિના હોય છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ કોઈપણ સ્પોન્સર વગર નોકરી શોધી શકે છે. જો તેમને નોકરી મળી જાય, તો કંપનીએ અલગથી વર્ક વીઝા અપાવવાની જરૂર પડતી નથી.
યુરોપના આ દેશો વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે કરિયર બનાવવાની પણ સુવર્ણ તક આપે છે. તેથી જો તમે વિદેશમાં અભ્યાસ કર્યા પછી ત્યાં જ નોકરી કરવા ઈચ્છતા હોવ, તો યુરોપ તમારા માટે એક મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે.
