ગુજરાત ટેકનોલોજીની દિશામાં દિવસેને દિવસે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે રાજ્યની ટ્રાફિકની વ્યવસ્થાને પહોંચી વળવા માટે હવે AIનો સહારો લેવામાં આવી શકે છે. રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને વ્યવસ્થિત સંચાલન માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક સિગ્નલનું સંચાલન હવે મેન્યુઅલ કે ટાઈમર આધારિત રહેવાને બદલે સંપૂર્ણપણે AI દ્વારા સંચાલિત થશે.
AI સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
અત્યાર સુધી આપણે જોયું છે કે ટ્રાફિક સિગ્નલ ચોક્કસ સેકન્ડ્સના ટાઈમર પર ચાલતા હોય છે, જેના કારણે ઘણીવાર રસ્તો ખાલી હોવા છતાં વાહનચાલકોએ લાલ લાઈટ પર ઉભા રહેવું પડે છે. પરંતુ નવી AI સિસ્ટમ અલગ રીતે કામ કરશે. જેમાં સિસ્ટમમાં રહેલું AI કંટ્રોલર રિયલ-ટાઇમમાં જંક્શન પર રહેલા વાહનોની સંખ્યાનું વિશ્લેષણ કરશે. ત્યારબાદ કયા બાજુના રસ્તા પર ટ્રાફિક સૌથી વધુ છે અને કયું સિગ્નલ કેટલા સમય માટે ખોલવું, તેનો નિર્ણય AI જાતે લેશે. ટ્રાફિકની ગીચતા મુજબ સિગ્નલના સમયમાં આપમેળે ફેરફાર થશે, જેથી વાહનચાલકોને બિનજરૂરી રાહ જોવી પડશે નહીં.
ગાંધીનગરના હેપીનેસ સર્કલ પર પ્રથમ પ્રયોગ કરાશે
ગાંધીનગર વિસ્તારમાં PDPU રોડ પર આવેલા હેપીનેસ સર્કલ ખાતે આ અત્યાધુનિક AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે ટ્રાફિક જંક્શન પર ટ્રાફિક પોલીસની હાજરી વગર પણ ટેકનોલોજી દ્વારા ટ્રાફિકનું સ્મૂધ સંચાલન શક્ય બનશે.
ઈલ્યુમિનેટેડ LED કેન્ટિલિવર પોલ્સ
આ જંકશનની બીજી એક વિશેષતા તેના ઈલ્યુમિનેટેડ LED કેન્ટિલિવર સિગ્નલ પોલ્સ છે. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારના પોલ્સ લગાવવામાં આવ્યા છે જે આખા પોલને પ્રકાશિત કરે છે. આ સ્પેશિયલ LED પોલ્સ રાત્રિના સમયે તેમજ વરસાદ કે ધુમ્મસ જેવા ખરાબ હવામાનમાં પણ દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે અકસ્માતો ઘટાડવામાં અને વાહનચાલકોને સતર્ક કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
