અગાઉના શ્રવણ મા બાપને જાત્રા કરાવતા, આજના શ્રવણ હત્યા કરી રહ્યા છે, સોના ચાંદીના દાગીના માટે મા બાપની હત્યા

Spread the love
ભાવનગર જિલ્લાના તળાજા શહેરના રામ ટેકરી વિસ્તારમાં અકસ્માતે વૃદ્ધ દંપતી સળગી જવાનો મામલે મોટો વળાંક આવ્યો છે. 64 વર્ષીય કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને 60 વર્ષીય પત્ની રેખાબેન કિશોરભાઈ વૈઠાના તેના જ ઘરમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. શોક સર્કિટ અથવા જાતે જ્વલન્સીલ પ્રવાહી છાંટીને પતિપત્નીએ આત્મહત્યા કરી લીધી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જોકે હવે પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ અકસ્માતે સળગી જવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. વૃદ્ધ દંપતીની તેમના જ દીકરા અને વહુ દ્વારા હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું છે.

 

19 એપ્રિલના રોજ સોની દંપતીનું મોત થયું હતું

19 એપ્રિલના રોજ ભાવનગરના તળાજા શહેરના રામ ટેકરી વિસ્તારમાં વૃદ્ધ દંપતીના મોતની ખબર સામે આવી હતી. જેમાં 64 વર્ષીય કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને 60 વર્ષીય પત્ની રેખાબેન કિશોરભાઈ વૈઠાએ જાતે સળગી જઈ આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. પતિ-પત્ની બંનેએ પોતાના રૂમમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન હતું. જોકે. શા કારણે વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાશ શરૂ કરી હતી. બંનેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડી તળાજા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

પોસ્ટમોર્ટમથી હત્યાનો ખુલાસો થયો

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કિશોરભાઈનું ગળુ દબાવીને હત્યાં કરી હોવાનું અને રેખાબેનના શરીર પર ઇજાના નિશાન હોવાનું ખૂલ્યું હતું. જીવતા સળગી જવાની ઘટનામાં શ્વાસનળીમાં કાળી મેષ ભરાઈ જતી હોય છે, જેની પણ પોસ્ટ મોર્ટમમાં ગેરહાજરી મળી હતી. જેના કારણે પહેલા હત્યાં કરી બાદમાં અકસ્માતમાં ખપાવી દેવા બન્નેને સળગાવ્યા હોવાની શંકા મજબૂત બની હતી.

 

દીકરો અને વહુ મકાન-દાગીના વેચવા દબાણ કરતા

આ બાદ તપાસમાં સામે આવ્યું કે, મૃતક કિશોરભાઈ પાસે તેનો દીકરો વિમલ અને તેના વહુ અવારનવાર પૈસાની માંગણી અને દુકાન મકાન વેચી દેવા દબાણ કરતા હતા. મૃતક મહિલાના ભાઈ રાજેશભાઈ રાણીંગાએ પોતાના ભાણેજ વિમલ અને ભાણેજ વહુ હેતલબેને બંનેની હત્યાં કરી મૃતદેહ સળગાવ્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેના બાદ પોલીસને શંકાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દીકરાએ કરી સગા માતાપિતાની હત્યા

પોલીસને પહેલાથી જ આ આત્મહત્યા નહિ, પરંતુ હત્યા છે તેવી શંકા હતી. તપાસમાં જાણવા મળ્યું કે, વિમલ પિતા કિશોરભાઈ પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો. કારણ કે, તેના પર દેવુ વધી ગયુ હતું. તે માતા રેખાબેન પર પણ દાગીના વેચીને રૂપિયા આપવાની માંગ કરતો હતો. વિમલ છેલ્લા ચાર વર્ષથી પત્ની હેતલ અને દીકરી સાથે રાજકોટ રહેતો હતો. તે સોનીકામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.

 

મોતના ત્રીજા દિવસે દીકરો પાણીપુરી ખાતો જોવા મળતા પોલીસને શંકા ગઈ

વિમલે પહેલાથી જ માતાપિતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તે રાજકોટથી જ હત્યાનો પ્લાન બનાવીને આવ્યો હતો. વિમલ રેખાબેન અને વિમલભાઈનો એકનો એક પુત્ર હતો. માતાપિતાની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ વિમલ એ રાતે મિત્ર સાથે લગભગ 11.30 કલાકે ચા પીવાના બહાને ફરવા નીકળી ગયો હતો. લગભગ 1.30 કલાકે તેના પર ઘરે કંઈક બળી રહ્યું હોવાનો ફોન આવ્યો હતો. થોડીવાર બાદ બીજો ફોન આવતા તે તળાજા જવાના રવાના થયો હતો. ઘરે આવ્યા બાદ તે અંદર ન જોઈ શકુ, અને તેની પત્ની હેતલ વારંવાર બેભાન થવાના નાટકો કરતા હતા. આ બાદ માતાપિતાના નિધનના ત્રીજા દિવસે વિમલ ગામમાં પાણીપુરી ખાતો જોવા મળ્યો હતો. જેના માતાપિતાનું મોત થયું હોય તે મોતનો મલાજો સાવચે કે પાણીપુરી ખાય, તે શંકાથી પોલીસના વિચારો વધુ દ્રઢ બન્યા હતા. આ બાદ હત્યાનો ખુલાસો થયો હતો.

 

આ ભયાનક ઘટનાએ સમગ્ર તળાજા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે, પોલીસે પણ અકસ્માતના બદલે હત્યાંની દિશામાં તપાસ વધુ તેજ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *