26 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, 8 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન; પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

Spread the love
ગાંધીનગરના સેક્ટર-6 માં આવેલ વીર ભગતસિંહ નગરમાં ગઈકાલે રાતે બે સંતાનોની માતાએ રૂમમાં પંખે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. રાત્રે જમી પરવારીને વહુ અને સાસુ નીચે સોસાયટીમાં આંટો મારવા નીક્ળ્યા હતા. બાદમાં એકાએક પરણિતાએ ઘરે આવીને આપઘાત કરી લેતા સેકટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

રૂમ બંધ કરી પંખામાં લટકી જિંદગી ટૂંકાવી ગાંધીનગરના સેક્ટર-6 ખાતેના વીર ભગત સિંહ નગરમાં વધુ એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ ધોળકાના અલ્પેશભાઈ સોનારાના લગ્ન સાડા સાતેક વર્ષ અગાઉ સ્નેહલબેન(ઉંમર 26) સાથે થયા હતા. ગાંધીનગરના વીર ભગતસિંહ નગરના સી-1 ટાઇપ મકાન નંબર 604 માં રહેતા રહેતા અલ્પેશભાઈ GUDAમાં નોકરી કરે છે.આ લગ્ન જીવનથી દંપતીને છ વર્ષની દીકરી અને પાંચ વર્ષનો દીકરો છે. સ્કૂલમાં વેકેશન હોવાથી દીકરી તેની માસીને ઘરે રહેવા ગઈ છે. ગઈકાલે શુક્રવારે જમી પરવારીને સ્નેહલબેન દીકરાને લઈ સાસુ સાથે નીચે સોસાયટીમાં આંટો મારવા માટે ગયા હતા. એ વખતે તેમનો દિયર અજય ઘરે એકલો હતો. જે પ્રાઇવેટ સિક્યુરિટી માં નોકરી કરે છે. બાદમાં રાતે દસેક વાગ્યાના અરસામાં સ્નેહલબેન દીકરાને લઈને ઘરે ગયા હતા. એ વખતે દિયર અજય એક રૂમમાં મોબાઇલ જોઈ રહ્યો હતો. એટલે પાંચ વર્ષના દીકરાને દિયર પાસે મોબાઇલ જોવા રાખીને સ્નેહલબેને સફાળા બીજા રૂમમાં ઘૂસી જઈને જોરથી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

 

ત્યારે અચાનક ભાભી ગુસ્સામાં રૂમમાં જતા રહીને અંદરથી દરવાજો બંધ કરી દેતા અજયને શંકા ગઈ હતી. જેથી તેણે રૂમનો દરવાજો ખોલાવવા ઘણી મથામણ કરી બૂમાબૂમ કરી મૂકી હતી. જેના પગલે આસપાસના પડોશીઓ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન કોઈ પાડોશીએ પોતાના ઘરેથી નજર કરતા સ્નેહલબેન રૂમમાં પંખે ગળાફાંસો ખાવાની તૈયારી કરતા હોવાનું જોવા મળ્યું હતું.

જેના પગલે વસાહતીઓએ એકઠા થઈ બળ પ્રયોગ કરીને રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો સ્નેહલબેને પંખે લટકીને જીવન ટુંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતા સ્નેહલબેનના પતિ અલ્પેશભાઈ પણ ઘરે દોડી આવ્યા હતા. બાદમાં 112 માં જાણ કરવામાં આવતા સેક્ટર 7 પોલીસ ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને લાશને નીચે ઉતારી પંચનામા સહિતની કાર્યવાહી શરૂ કરી હતી.

 

આપઘાત પાછળનું કારણ અકબંધ

 

આ અંગે સેકટર 7 પોલીસ મથકના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, ઘટના સમયે અલ્પેશભાઈ ઘરે હાજર ન હતા. વિધવા સાસુ અને વહુ જમી પરવારીને નીચે આંટો મારવા ગયા હતા. બાદમાં એકાએક સ્નેહલબેનને લઈ ઘરે ગયા હતા. અને દિયર પાસે દીકરાને રાખીને ગળાફાંસો ખાઈ લીધો હતો. હાલમાં પોસ્ટમોર્ટમ સહિત કાર્યવાહી ચાલી રહી છે.

8 વર્ષ પહેલા મુકેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ મામલે મૃતક સ્નેહલબેનના માતા ભાવનાબેન ગોવિંદભાઈ પરમારે પોતાની દીકરીના પતિ, સાસુ અને દિયર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો મુજબ સેક્ટર-24 માં રહેતા ભાવનાબેનની દીકરી સ્નેહલે આશરે આઠ વર્ષ પહેલાં ધોળકાના વતની અને હાલ ગાંધીનગર સેક્ટર-6 માં રહેતા અલ્પેશકુમાર મુકેશભાઈ સોનારા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો પણ છે.

 

જોકે, લગ્નના થોડા સમય બાદથી જ પતિ અલ્પેશ, સાસુ રમિલાબેન અને દિયર અજય મુકેશભાઈ સોનારા દ્વારા સ્નેહલને નાની નાની બાબતોમાં ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. ફરિયાદમાં માતાના જણાવ્યા અનુસાર, સ્નેહલ જ્યારે પણ પિયર આવતી ત્યારે તે જણાવતી હતી કે તેના સાસરી પક્ષના સભ્યો તેને તું કામ બરાબર કરતી નથી અને તારા પિયરથી કોઈ દાગીના લાવી નથી તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

અગાઉ પણ માથાકૂટ થતા સગા-સંબંધીઓએ સમાધાન કરાવ્યું હતું

 

આ મામલે અગાઉ પણ વિવાદ વકર્યો હતો અને સ્નેહલે સેક્ટર-16 મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. જોકે તે સમયે સગા-સંબંધીઓએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું અને સાસરી પક્ષે હવે પછી ત્રાસ નહીં આપવાની ખાતરી આપતા સ્નેહલ ફરી સાસરે રહેવા ગઈ હતી. પરંતુ સમાધાન બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહોતો. સાસરી પક્ષ દ્વારા અવારનવાર પિયરથી પૈસા લઈ આવવા અને દેવું ભરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

 

આ ત્રાસથી કંટાળીને સ્નેહલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર પરિવારને મળ્યા હતા. માતાએ આક્ષેપ કર્યો છે કે, પતિ, સાસુ અને દિયરના મેણાં ટોણાં અને સતત શારીરિક-માનસિક દુઃખ આપવાના કારણે જ તેમની દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. આ બનાવને પગલે પોલીસે પતિ અલ્પેશકુમાર સોનારા, સાસુ રમિલાબેન અને દિયર અજય વિરુદ્ધ આત્મહત્યા માટે દુસ્પ્રેરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *