રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો

Spread the love

રાજકોટમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજના સમયે રાજકોટના આજીડેમમાં ડૂબી જવાના કારણે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પિતા, તેમના બે દીકરા અને એક કૌટુંબિક ભાઈ (ભાણેજ) પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલો આ પરિવાર ડેમના પાણી પાસે ગયો હતો, જ્યાં કોઈ એક વ્યક્તિ અંદર પડતાં તેને બચાવવાના ચક્કરમાં એક પછી એક ચારેય જણાએ જીવ ગુમાવ્યા છે.

હાલ ફાયર બ્રિગેડ દ્વારા 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક પુત્રની શોધખોળ હજુ ચાલી રહી છે.

 

આ સમગ્ર ઘટના વિશે ડીસીપી ઝોન 1 હેતલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 42 વર્ષીય ભરતભાઈ જાદવ શનિવારે તેમના બે પુત્રો 17 વર્ષીય ધવલ અને 26 વર્ષીય રોહિત તથા સાળીના દીકરા 15 વર્ષીય ધ્રુવ મકવાણા સાથે આજીડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા. દર્શન કર્યા પછી આ ચારેય લોકો આજીડેમના પાણી નજીક પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પાણી કાંઠે કોઈ કારણસર આ 4 માંથી એક વ્યક્તિ અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે બાકીના લોકો એક પછી એક પાણીમાં કૂદ્યા હતા અને આ પ્રયાસમાં ચારેય જણા ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક ભરતભાઈનો પરિવાર રાજકોટ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો હતો, જ્યારે તેમનો ભાણેજ ધ્રુવ મકવાણા રાજકોટ જિલ્લાના ન્યારા નજીક આવેલા ખંભાળા ગામનો રહેવાસી હતો.

આ ગોઝારી દુર્ઘટનાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ હરેશ પટેલ અને ડીસીપી ઝોન 1 ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી હતી. સાંજે 7 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ 4 પૈકી 3 લોકોના મૃતદેહ ડેમમાંથી બહાર કાઢ્યા હતા, જેને 108 ની ટીમે મૃત જાહેર કર્યા છે. જોકે, ભરતભાઈના દીકરા રોહિત જાદવની શોધખોળ હજુ પણ ચાલી રહી છે.

આ ઘટના બાદ ડીસીપી હેતલ પટેલે શહેરીજનોને ખાસ અપીલ કરતા કહ્યું હતું કે, આજીડેમના પાણીમાં ન્હાવું સખત પ્રતિબંધિત છે. આથી લોકોએ જીવના જોખમે આવી પ્રતિબંધિત જગ્યાઓએ ન્હાવા જવાનું ટાળવું જોઈએ, જેથી આવી કરુણ દુર્ઘટનાઓ અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *