ગોંડલ ચોકડી પાસે ઇકો – સ્કોર્પિયો અથડાયા 2 સગા ભાઈના મોત, 4ને ઈજા

Spread the love

રાજકોટ, તા.4 ગોંડલ ચોકડી પાસે ઇકો – સ્કોર્પિયો અથડાયા હતા જેમાં 2 સગાભાઈના મોત નીપજયા છે. જ્યારે 4 લોકોને ઈજા થઈ છે. થાનગઢના મૃતકો મગનભાઈ અને શામજીભાઈ પાટડીયા ગોંડલ મરણ પ્રસંગે ગયા હતા, પોતાની ઇકોમાં પરિવાર સાથે આવતા હતા. શામજીભાઈના પત્ની ગીતાબેન અને મગનભાઈના પત્ની હંસાબેનને પણ ઈજા થઈ છે. સામે પક્ષે સ્કોર્પિયો સવાર બે યુવાનોને પણ સિવિલમાં દાખલ કરાયા છે.

આ અંગે મળતી વિગત મુજબ આજે બપોરે 2ઃ30 વાગ્યા આસપાસ રાજકોટની ગોંડલ ચોકડી થી આગળ હાઇવે ઉપર ટાટાના શોરૂમની સામે ઇકો કાર અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માતના પગલે સ્થળ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવમાં શામજીભાઈ તળશીભાઈ પાટડીયા (ઉંમર વર્ષ 70) અને તેમના નાના ભાઈ મગનભાઈ તળશીભાઈ પાટડીયા (ઉંમર વર્ષ 65) રહે થાનગઢ બંનેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેને માથે શરીરે ગંભીર ઇજા હોવાથી મૃત જાહેર કરાયા હતા.

 

જ્યારે મગનભાઈ ના પત્ની હંસાબેન અને શામજીભાઈના પત્ની ગીતાબેન ને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત ઈકોમાં સવાર મહેબૂબ ભાઈ યુસુફભાઈ અન્સારી ઉંમર વર્ષ 21 અને સાહિલ યાકુબભાઈ કુરેશી ઉંમર વર્ષ 23 ને ઇજાઓ પહોંચી હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

 

થાનગઢનો પાટડીયા પરિવાર ગોંડલ ખાતે પોતાના કોઈ સ્વજનના મરણ પ્રસંગે ગયો હતો અને ત્યાંથી પરત થાનગઢ આવતો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો. શામજીભાઈ અને મગનભાઈ બંને વેલ્ડિંગ ફેબ્રિકેશનનું કામ કરતા હતા. અને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. સાથે ઘરના બે મોભી ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *