Vadodara માં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ: 6 આરોપીઓની ધરપકડ!
HDFC બેંકમાં 500 ના દરની 20 બનાવટી નોટો જમા કરાવા જતા ખુલ્યું મોટું કૌભાંડ
SOG દ્વારા વાઘોડિયાથી મુખ્ય આરોપી સાગર મારૂ સહિત 6ની કરવામાં આવી ધરપકડ
રાજસ્થાનના મુખ્ય સપ્લાયર અક્ષય ગોયેલને પણ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
આરોપીઓ પાસેથી 85 નકલી નોટો, ક્રેટા કાર અને રોકડ સહિત 11.89 લાખનો મુદ્દામાલ જપ્ત
રેકેટનો અન્ય આરોપી મનોહર ગુજ્જર હજુ ફરાર, પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂ
Vadodara: સંસ્કારી નગરીમાં આર્થિક ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) (Special Operation Group) દ્વારા બનાવટી ચલણી નોટોના (Fake Currency) નેટવર્કનો પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે શહેરની એક એચડીએફસી બેંકમાં (HDFC Bank) રૂ. 500 ના દરની 20 નકલી નોટો જમા કરાવવાનો પ્રયાસ થયો હતો.
Vadodara: 85 જેટલી નકલી નોટો જપ્ત
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વાઘોડિયા ખાતેથી મુખ્ય આરોપી સાગર મારૂ (Sagar Maru) ની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં એક પછી એક 5 સ્થાનિક સાગરીતોના નામ ખુલ્યા હતા, જેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં આ નકલી નોટો વટાવવાનું કામ કરતા હતા. આરોપીઓ પાસેથી કુલ 85 જેટલી નકલી નોટો, રૂ. 2.27 લાખની રોકડ, એક ક્રેટા કાર (Creta Car) અને 5 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ રૂ. 11.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
રાજસ્થાન સુધી જોડાયેલું નેટવર્ક
આ રેકેટના તાર છેક રાજસ્થાન (Rajasthan) સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. વડોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રાજસ્થાનથી મુખ્ય સપ્લાયર અક્ષય ગોયેલ (Akshay Goyal) ને પણ ઝડપી પાડ્યો છે. જોકે, આ કેસમાં અન્ય એક આરોપી મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર હાલ ફરાર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ટોળકીએ બજારમાં કેટલી નકલી નોટો ફરતી કરી છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.
