ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન નીચું જતાં લોકોને ગરમીમાં રાહત મળી રહી છે. બીજી તરફ મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદના તોફાની ઝાપટા વરસી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનને લઈને મોટી આગાહી કરી છે.
હજુ બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ એટલે કે 8 મે સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના પંચમહાલ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
જો કે 8 મે બાદ ધીમે-ધીમે આકાશ ચોખ્ખુ થતુ જશે, જેના પરિણામે ગરમી વધશે. 8 થી 12 મે સુધીના 4 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેના પરિણામે ગુજરાત ભઠ્ઠીમાં શેકાતુ હોય તેવી ગરમી પડશે.
ગુજરાતના ક્યા-ક્યા ભાગોમાં કેટલી ગરમી પડશે?
આ અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, સૌથી વધારે ગરમી ઉત્તર ગુજરાતમાં પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોચી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં 33 થી 37 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 33 થી 34 ડિગ્રી અને કચ્છમાં ગરમીનો પારો 42 ડિગ્રીની પાર પહોંચી જશે. આ દરમિયાન પવનની ગતિ વધારે રહી શકે છે.
18 મેથી પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 12 મે સુધીનો હીટવેવનો રાઉન્ડ જતાં 15 મેથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જેના પગલે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. જેમાં 15 મે બાદ બંગાળના ઉપસાગર તેમજ 17 થી 15 જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે. જો આ વાવાઝોડાની દિશા ઓમાન તરફની રહે તો તેની ગુજરાતને ઓછી અસર થશે. આમ છતાં 18 થી 23 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદ વરસી શકે છે.
