કહેવાય છે કે ‘સંબંધોમાં વિશ્વાસ એ કાચ જેવો હોય છે, જે એકવાર તૂટે તો ફરી સંધાઈ શકતો નથી.’ પરંતુ સુરતના પુણા વિસ્તારમાં તો આ વિશ્વાસ અને સંબંધોનું લોહી વહ્યું છે. જે નાનીએ પોતાની દીકરીના બાળકોને (દોહિત્ર-દોહિત્રીને) માં બનીને 10 વર્ષ સુધી ઉછેર્યા, તેમને છત આપી અને ભવિષ્યની ચિંતા કરી, તે જ દોહિત્રએ આવેશમાં આવીને પોતાની સગી નાનીની કરપીણ હત્યા કરી નાખી છે.
શું હતી સમગ્ર ઘટના?
પુણાવિસ્તારના પરવટ પાટિયા પાસે આવેલા અનમોલ એપાર્ટમેન્ટના એક નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધા લીલાબેન ચૌધરીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં આ મામલો આત્મહત્યા કે અકસ્માત જેવો લાગતો હતો, પરંતુ પોલીસની તીક્ષ્ણ નજર અને સાયન્ટિફિક તપાસે હકીકત ઉજાગર કરી દીધી. આ કોઈ બહારની વ્યક્તિનું કામ નહોતું, પણ ઘરના જ 25 વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું કૃત્ય હતું.
મગરમચ્છના આંસુ અને જૂઠાણાંનો પર્દાફાશ
ઘટના બાદ આરોપી હર્ષે પોલીસ સામે મગરમચ્છના આંસુ સારતા એક વાર્તા ઘડી હતી. તેણે કહ્યું કે નાનીએ કંટાળીને જાતે જ ગળા પર ચપ્પુ મારી દીધું છે. જોકે, પુણા પોલીસ મથકના PI વિક્રમ દેસાઈ અને તેમની ટીમે જ્યારે FSLઅને ડોગ સ્ક્વોડની મદદ લીધી, ત્યારે આ જૂઠાણું પકડાઈ ગયું. ગળા પરના ઘા આત્મહત્યાના નહીં પણ હત્યાના હતા. સતત બે કલાકની મનોવૈજ્ઞાનિક પૂછપરછ બાદ હર્ષ ભાંગી પડ્યો અને પોતાની નાનીની હત્યાની કબૂલાત કરી.
માત્ર એક ટકોરની આટલી મોટી સજા?
હર્ષ છેલ્લા લાંબા સમયથી બેકાર હતો અને દિવસે મોડે સુધી ઊંઘતો રહેતો હતો. નાની લીલાબેન શિસ્તના આગ્રહી હતા. તેમણે હર્ષને કહ્યું, “તું મોટો થયો છે, ક્યાં સુધી આમ બેસી રહીશ? કંઈક કામ કર, તારી બહેન અને પત્નીનું વિચાર.” બસ, આટલી જ શિખામણ હર્ષને એવી ખૂંચી કે તેણે રસોડામાંથી ચપ્પુ લાવીને નાની પર હુમલો કરી દીધો. અશક્ત વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ તેમનું ગળું કાપી નાખ્યું.
મૃતક લીલાબેનની પોતાની દીકરી (હર્ષની માતા) બીજા લગ્ન કરી અલગ રહેતી હતી. છેલ્લા 10 વર્ષથી લીલાબેન જ હર્ષ અને તેની બહેનનો સહારો હતા. જે હાથે તેને જમાડ્યો, તે જ હાથે તેને પતાવી દીધો. એક પળના આવેશમાં હર્ષ એ ભૂલી ગયો કે તેની નાની જે કંઈ કહેતી હતી તે તેના ભલા માટે જ હતું.
પુણા પોલીસે હાલ આરોપી હર્ષ પટેલની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સહનશક્તિનો અભાવ અને આવેશ માણસને ક્યાં લઈ જઈ શકે છે.
