છેલ્લા 4 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધમાં એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) 9 મે થી 11 મે એમ 3 દિવસ માટે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ 72 કલાક દરમિયાન તમામ પ્રકારની સૈન્ય ગતિવિધિઓ અને હુમલાઓ સંપૂર્ણપણે બંધ રહેશે.
એટલું જ નહીં, આ શાંતિ કરાર હેઠળ બંને દેશો 1000 કેદીઓની અદલાબદલી પણ કરશે. આ ઐતિહાસિક નિર્ણયથી દુનિયાભરમાં એવી આશા જાગી છે કે કદાચ હવે આ વિનાશક યુદ્ધના અંતની શરૂઆત થઈ ચૂકી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ખુશખબર શેર કરતા જણાવ્યું હતું કે બંને દેશો 3 દિવસની શાંતિ જાળવવા માટે સંમત થયા છે. આ માટે 9 થી 11 મેનો સમય એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે 9 મેના રોજ રશિયામાં ‘વિજય દિવસ’ (Victory Day) ની ભવ્ય ઉજવણી થાય છે. 2જા વિશ્વયુદ્ધમાં રશિયાની સાથે સાથે યુક્રેનનું પણ ખૂબ મોટું યોગદાન હતું. તેથી, આ સમય બંને દેશોના લોકો માટે લાગણીશીલ અને મહત્વનો છે. આ ઐતિહાસિક દિવસના માનમાં જ આ યુદ્ધવિરામ અમલમાં મુકાયો છે.
પોતાની પોસ્ટમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમણે આ શાંતિ માટે વ્યક્તિગત રીતે બંને દેશોને અપીલ કરી હતી. આ પ્રસ્તાવને સ્વીકારવા અને હકારાત્મક પ્રતિસાદ આપવા બદલ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીનો ખાસ આભાર માન્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે 2જા વિશ્વયુદ્ધ પછીનો આ સૌથી મોટો અને ખતરનાક સંઘર્ષ છે, જેને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે હાલમાં વાટાઘાટો ચાલી રહી છે. છેલ્લે તેમણે આશા વ્યક્ત કરી હતી કે શાંતિ તરફના પ્રયાસો હવે રોજેરોજ આગળ વધી રહ્યા છે અને આખી દુનિયા આ યુદ્ધના અંતની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.
