ગુજરાતની જેલો હાઉસફુલ: ક્ષમતા 14 હજાર અને કેદીઓ 17 હજારને પાર, NCRB રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Spread the love
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા 2024’ના અહેવાલે ગુજરાતના જેલ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યની જેલોમાં કેદીઓની સંખ્યા તેની નિર્ધારિત ક્ષમતા કરતા ઘણી વધારે હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિતની મુખ્ય જેલોમાં કેદીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જે વ્યવસ્થાપન સામે મોટા સવાલો ઉભા કરે છે.

ક્ષમતા કરતા 25% વધુ કેદીઓનો ભરાવોઅહેવાલ મુજબ, ગુજરાતની તમામ જેલોમાં કુલ 14,108 કેદીઓને રાખવાની વ્યવસ્થા છે. જોકે, તેની સામે હાલમાં 17,700થી વધુ કેદીઓ જેલના સળિયા પાછળ બંધ છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે જેલોમાં કેદીઓને રાખવા માટે પૂરતી જગ્યા નથી. રાજ્યમાં સજા કાપી રહેલા કુલ કેદીઓ પૈકી 5,231 કેદીઓ એવા છે જેમને અદાલત દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના કેદીઓ ટ્રાયલ હેઠળ છે.

સાબરમતી સેન્ટ્રલ જેલની સ્થિતિ સૌથી ગંભીરઅમદાવાદની ઐતિહાસિક સાબરમતી સેન્ટ્રલ જેલ અત્યારે સૌથી વધુ ભીડ ધરાવતી જેલ બની છે. અહીં 7,740 કેદીઓની ક્ષમતા છે, પરંતુ તેની સામે 10,456 કેદીઓ રાખવામાં આવ્યા છે. આ જ રીતે ડિસ્ટ્રિક્ટ જેલમાં પણ 3,928ની ક્ષમતા સામે 4,567 કેદીઓ છે. સબ જેલની સ્થિતિ પણ કંઈક આવી જ છે, જ્યાં 1,180ની ક્ષમતા સામે 1,815 કેદીઓ બંધ છે.

મહિલા અને ઓપન જેલમાં સ્થિતિ સંતોષકારકચોંકાવનારા આંકડાઓ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે રાજ્યની મહિલા જેલ અને ઓપન જેલમાં સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે. મહિલા જેલમાં 410ની ક્ષમતા સામે માત્ર 198 કેદીઓ છે. તેવી જ રીતે, ઓપન જેલમાં પણ 66ની ક્ષમતા સામે 36 કેદીઓ છે. આ બે શ્રેણીમાં કેદીઓની સંખ્યા ક્ષમતા કરતા ઓછી હોવાનું અહેવાલમાં નોંધાયું છે.

આ અહેવાલ બાદ હવે જેલોના આધુનિકીકરણ અને નવી જેલોના નિર્માણની જરૂરિયાત પર ચર્ચા તેજ બની છે. વધતી જતી કેદીઓની સંખ્યાને કારણે જેલ પ્રશાસન પર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું દબાણ પણ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *