એક વીડિયોએ ચીનની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની અમાનવીય સ્થિતિની પોલ ખોલી દીધી છે. મેઇનલેન્ડ ચાઇનાની એક ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રોડક્શન લાઇન એટલે કે જ્યાં કામદારો કામ કરી રહ્યા છે, તેની બિલકુલ બાજુમાં જ શૌચાલય બનાવવામાં આવ્યું છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ શૌચાલયમાં ન તો કોઈ દીવાલ છે, ન દરવાજો કે ન તો કોઈ પડદો.
કામદારોએ અન્યની નજર સામે જ શૌચક્રિયા કરવા મજબૂર થવું પડે છે.
જેલ જેવો અનુભવ અને ગંદકીનું સામ્રાજ્ય
આ વીડિયો સાથે એક પૂર્વ કેદીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે ચીનની જેલો અને ડિટન્શન સેન્ટરોમાં પણ આવી જ સ્થિતિ હોય છે. જ્યાં કેદીઓને સુવા માટેના પાટિયાની બાજુમાં જ એક ખુલ્લો ખાડો (શૌચાલય) હોય છે, જ્યાં દરેકની નજર સામે જ શૌચ જવું પડે છે. નહાવા માટે ગરમ પાણી તો દૂરની વાત, કડકડતી ઠંડીમાં પણ માત્ર ટુવાલથી શરીર લૂછીને ચલાવવું પડે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ કેદીઓ એકબીજા પર નજર રાખે તેવો હોય છે, જે માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન છે.
માનસિકતા પર સવાલ: ભારત અને વિદેશની સરખામણી
આ વીડિયો તે લોકોની માનસિકતા પર પ્રહાર કરે છે જેઓ માને છે કે વિદેશી સંસ્કૃતિ ભારત કરતા ઘણી આગળ છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો મર્યાદા જાળવીને એકબીજાની પ્રાઇવસીનું ધ્યાન રાખતા હોય છે. જ્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં લોકો સાથે બેસીને કામ કરે છે કે નાસ્તો કરે છે, તેની બાજુમાં જ શૌચાલયની દુર્ગંધ વચ્ચે કામ કરવું પડે છે. આ પ્રકારની અસભ્યતા ચીનના કહેવાતા આધુનિકીકરણ પાછળનું કડવું સત્ય છે.
