ભાઈગીરી બતાવી ખૌફ ફેલાવનાર શિવા ઝાલાની પોલીસે હેકડી ઉતારી; પોલીસ સ્ટેશનમાં હાથ જોડી, કાન પકડાવી માફી મંગાવી

Spread the love
શહેરમાં ડ્રગ્સના કાળા કારોબાર અને સોશિયલ મીડિયા પર ગેંગસ્ટર બની ગુંડાગીરીનો પ્રસાર કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભાઠેના વિસ્તારનો કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ઉર્ફે શિવરાજસિંહ ઝાલા, જે સોશિયલ મીડિયા પર પોતાને દુનિયાનો રાજા ગણાવતો હતો, તે ફરી એકવાર સુરત પોલીસના સકંજામાં આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક રીલ્સ બનાવી પોલીસને પડકાર ફેંકનાર આ ગુનેગારની શાન સુરત SOGએ ઠેકાણે લાવી છે.

ધરપકડ કરતાં જ ડિજિટલ ડોનની તમામ હેકડી બેસી ગઈ

 

શિવા ઝાલા જેલમાંથી બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સતત સક્રિય હતો. તે ગળામાં ભારે સોનાની ચેન અને ગેંગસ્ટર સ્ટાઈલના ગીતો સાથે વીડિયો પોસ્ટ કરી પોતાની ભાઈગીરી બતાવતો હતો. કેટલીક રીલ્સમાં તેણે સીધો પોલીસને પડકાર પણ આપ્યો હતો. જોકે, જ્યારે સુરત SOG એ તેની ધરપકડ કરી ત્યારે ડિજિટલ ડોનની તમામ હેકડી બેસી ગઈ હતી. તેણે પોલીસ સ્ટેશનમાં હાથ જોડીને માફી માંગતા કબૂલાત કરી હતી કે, “હું પંચશીલ નગરનો લુખ્ખો છું અને એમડી ડ્રગ્સનો ધંધો કરું છું.”

 

ડ્રગ્સ માટે ‘કપડું’ અને પોલીસ માટે ‘કાટી’ કોડવર્ડ વાપરતો

 

તપાસમાં બહાર આવ્યું કે, શિવા ઝાલા પોતાનું ડ્રગ્સ નેટવર્ક અત્યંત આધુનિક પદ્ધતિથી ચલાવતો હતો. તેણે ભાઠેના વિસ્તારમાં પોતાના ઘરની આસપાસ 24થી 25 હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવ્યા હતા, જેનું મોનિટરિંગ તે 55 ઈંચના LED ટીવી પર કરતો હતો. પોલીસથી બચવા માટે તે વોકી-ટોકીનો ઉપયોગ કરતો અને ડ્રગ્સ માટે ‘કપડું’ તથા પોલીસ માટે ‘કાટી’ જેવા કોડવર્ડ વાપરતો હતો. અંદાજે રોજની 1.5 લાખ રૂપિયાની કમાણી સાથે તે શહેરમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી રહ્યો હતો.

 

પોલીસે ધરપકડ માટે ફિલ્મી સ્ટાઈલમાં ઓપરેશન પાર પાડ્યું

 

શિવા ઝાલાનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે, જેમાં લૂંટ, અપહરણ, હુમલા અને NDPS સહિતના 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડ કરવા માટે પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસની ગાડીઓ જોઈને તે ભાગી ન જાય તે માટે 20 જેટલા પોલીસકર્મીઓ ખાનગી બાઇકો પર સામાન્ય નાગરિકોના વેશમાં તેના વિસ્તારમાં ઘૂસ્યા હતા અને તેને દબોચી લીધો હતો. તેની પાસેથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ, રોકડ અને ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા.

 

શિવા ઝાલાએ જેલમાં પણ કેદીઓ સાથે મારામારી કરી હતી

 

શિવા ઝાલા માત્ર બહાર જ નહીં પણ જેલની અંદર પણ માથાભારે સાબિત થયો હતો. તેણે જેલમાં અન્ય કેદીઓ સાથે મારામારી કરી હતી અને પોતાના જ વકીલને ધમકી આપી હતી, જેના કારણે તેને અન્ય જેલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, તે સ્થાનિક ગરીબ પરિવારોને આર્થિક મદદ કરીને પોતાની છબી મસીહા જેવી બનાવવાનો પ્રયાસ કરતો હતો, જેની પાછળનો મુખ્ય હેતુ પોલીસના બાતમીદારોનું નેટવર્ક તોડવાનો અને લોકોની સહાનુભૂતિ મેળવવાનો હતો.

 

ધમકીભરી રીલ મૂકનાર શિવા આજે ફરી કાયદાની પકડમાં

 

જાન્યુઆરી 2026માં જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફટાકડા ફોડી અને શક્તિ પ્રદર્શન કરીને ફરી એકવાર વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. જેથી લોકોના મનમાંથી તેનો ખૌફ દૂર થઈ શકે. સોશિયલ મીડિયા પર ધમકીભર્યા સંદેશા મૂકનાર શિવા આજે ફરી કાયદાની પકડમાં છે. સુરત પોલીસ કમિશનરે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ડ્રગ્સ, ગુંડાગીરી અને સોશિયલ મીડિયા મારફતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કરનાર કોઈને છોડવામાં આવશે નહીં. શહેરમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનાર તત્વો સામે હવે વધુ કડક કાર્યવાહી થશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *