
આ ઉપરાંત, વડાપ્રધાને દેશમાં સૌર ઊર્જા, પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ અને પાઇપલાઇન ગેસ જેવા સસ્તા વિકલ્પો પર સરકાર કઈ રીતે કામ કરી રહી છે તેની પણ વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, “આજના સમયમાં આપણે આયાતી પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ માત્ર જરૂરિયાત પૂરતો જ કરવો જોઈએ. આમ કરવાથી આપણું વિદેશી હૂંડિયામણ તો બચશે જ, સાથે સાથે વૈશ્વિક યુદ્ધની આપણા અર્થતંત્ર પર પડતી ખરાબ અસરોને પણ ઘટાડી શકાશે.” તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે ભારત હવે સોલાર એનર્જી (સૌર ઊર્જા) ના ક્ષેત્રમાં દુનિયાના ટોચના દેશોમાં સામેલ થઈ ગયું છે. એટલું જ નહીં, પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) કરવામાં પણ દેશે અભૂતપૂર્વ સફળતા મેળવી છે.
અગાઉની નીતિઓની વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે પહેલા સરકારનું લક્ષ્ય 100 ટકા LPG કનેક્શન આપવાનું હતું, પણ હવે સસ્તો પાઇપલાઇન ગેસ અને CNG ના વપરાશને પ્રોત્સાહન આપવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ બધા જ પ્રયાસોનું પરિણામ છે કે આજે આખી દુનિયા જ્યારે મોટા ઊર્જા સંકટનો સામનો કરી રહી છે, ત્યારે ભારત આ પરિસ્થિતિને બહુ અસરકારક રીતે સંભાળી રહ્યું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ભારત અત્યારે ‘રિફોર્મ્સ એક્સપ્રેસ’ (સુધારા એક્સપ્રેસ) પર સવાર છે અને દેશમાં ઝડપથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર તેલંગાણાના દરેક પરિવારના સપના પૂરા કરવા માટે વધુ ઝડપે કામ કરતી રહેશે.
આ ખાસ પ્રસંગે હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (HICC) ખાતે તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા, મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી અને કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, મોદીએ હૈદરાબાદ-પણજી ઈકોનોમિક કોરિડોર પર ગુડેબેલુરથી મહબૂબનગર સુધીના નેશનલ હાઈવે 167 ને ફોર-લેન બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ સાથે જ તેમણે કાઝીપેટ-વિજયવાડા રેલવે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ, હૈદરાબાદમાં ગ્રીનફિલ્ડ POL (પેટ્રોલિયમ, ઓઈલ, લુબ્રિકન્ટ્સ) ટર્મિનલ, કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસ અને વારંગલમાં પીએમ મિત્રા પાર્ક (કાકટિયા મેગા ટેક્સટાઈલ પાર્ક) ના અલગ-અલગ વિભાગોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. નોંધનીય છે કે, આશરે ₹1700 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલો આ કાકટિયા મેગા ટેક્સટાઈલ પાર્ક દેશનો પહેલો સંપૂર્ણ કાર્યરત ‘પીએમ મિત્રા પાર્ક’ છે.