અત્યારે એક તરફ હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ 10 મે, 2026થી ‘રોગ પંચક’ પણ બેસી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી અને સાથે જ આ અશુભ પંચકનો સંયોગ લોકો માટે સ્વાસ્થ્યની નવી ચિંતાઓ ઊભી કરી રહ્યો છે. આ બંનેના ડબલ એટેકથી બચવા માટે લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
ચાલો જાણીએ આ રોગ પંચક શું છે અને તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ વખતે રોગ પંચક 10 મેના રોજ બપોરે 12:08 વાગ્યે શરૂ થઈ ગયું છે અને તે 14 મેના રોજ રાત્રે 10:34 વાગ્યા સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે અને પાંચ નક્ષત્રો (ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી)માંથી પસાર થાય છે, ત્યારે પંચક બેસે છે. શાસ્ત્રો મુજબ, જો પંચકની શરૂઆત રવિવારથી થાય, તો તેને ‘રોગ પંચક’ કહેવાય છે. આ 5 દિવસનો સમય સ્વાસ્થ્ય માટે ઘણો અશુભ અને ભારે માનવામાં આવે છે.
એક બાજુ રોગ પંચક ચાલી રહ્યું છે અને બીજી બાજુ હવામાન વિભાગ (IMD) એ પણ ગરમી વચ્ચે વરસાદની ચેતવણી આપી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, રોગ પંચક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સંવેદનશીલ સમય હોય છે. આવા ઝડપથી બદલાતા હવામાનમાં ઇન્ફેક્શન, સિઝનલ બીમારીઓ અને શારીરિક નબળાઈ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પંચકને ઉર્જામાં બદલાવનો સમય માનવામાં આવે છે. આ સમયગાળામાં મન અને શરીરનું બેલેન્સ જાળવી રાખવું બહુ જરૂરી છે. આ 5 દિવસો દરમિયાન નવું ઘર બાંધવાનું શરૂ કરવું, લગ્ન કે સગાઈ કરવા, નામકરણ વિધિ, ગૃહ પ્રવેશ, લાકડાં ભેગા કરવા કે પછી દક્ષિણ દિશામાં મુસાફરી કરવા જેવા કાર્યો કરવાનું ખાસ ટાળવું જોઈએ.
જાણીતા જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, રોગ પંચક અને ખરાબ હવામાનથી બચવા માટે બહારનો વાસી કે વધારે પડતો તળેલો ખોરાક ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. રોજિંદા જીવનમાં હળદર, તુલસી અને નવશેકા (હૂંફાળા) પાણીનો નિયમિત ઉપયોગ કરવો. આ ઉપરાંત, માનસિક તણાવ દૂર કરવા માટે પૂજા-પાઠ અને ધ્યાન કરવું, તેમજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો આ સમયમાં ખૂબ જ ફળદાયી અને રક્ષણાત્મક માનવામાં આવે છે.