આધેડ કોન્ટ્રાક્ટર હનીટ્રેપનો શિકાર: કામના બહાને ચંદીગઢ બોલાવ્યા, ઓફિસમાં જ મહિલાએ અશ્લીલ ચેનચાળા કરી પાંચ લાખ પડાવ્યા

Spread the love
પાલનપુરમાં ગુનાખોરીના સતત વધતા ગ્રાફ વચ્ચે ત્રણ દિવસમાં બીજી હનીટ્રેપની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મહિલા સહિત 5 શખસોએ એક કોન્ટ્રાક્ટરને દવાની વાતચીત અંગે ચંડીસર બોલાવી આ હનિટ્રેપનો ખેલ રચ્યો હતો અને કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવી લીધા હતા. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તમામ શખસોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાને વિગતે જોતા, પાલનપુરમાં રહેતા એક આધેડ કોન્ટ્રાક્ટરને દવાની વાતચીત માટે ચંડીસરથી ફોન આવ્યો હતો અને તેમને ચંડીસર બોલાવવામાં આવ્યા હતા. જેથી આધેડ દવાની વાતચીત કરવા માટે ચંડીસર ખાતે આવેલી એક ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓએ પહેલેથી જ પોતાનું ષડયંત્ર રચી રાખ્યું હતું. કોન્ટ્રાક્ટર જ્યારે ઓફિસ પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર એક મહિલાએ તેમની સાથે અશ્લીલ વર્તન અને ચેનચાળા કરવાનું શરૂ કર્યું હતું. હજુ કોન્ટ્રાક્ટર કંઈ સમજે તે પહેલા જ, પૂર્વ આયોજિત કાવતરા મુજબ બહારથી ત્રણ અજાણ્યા શખ્સો ઓફિસમાં ધસી આવ્યા હતા.

 

5 લાખ પડાવી લીધા

 

બહારથી આવેલા શખ્સોએ મહિલા સાથે ચેનચાળા કરતા હોવાનો કોન્ટ્રાક્ટર પર આરોપ નાખી તેમને પકડી પાડ્યા હતા. જે બાદ મહિલા સાથેના સંબંધોના નામે બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. જોકે, આધેડ ઘટનાને લઈ ડરી ગયા હોવાથી તેમણે ટોળકીને પૈસા આપવા માટે સહમતી બતાવી હતી. જે બાદ ડરી ગયેલા કોન્ટ્રાક્ટર પાસેથી આ ટોળકીએ તોડપાણીના નામે રૂપિયા 5 લાખ પડાવી લીધા હતા.

 

તમામ આરોપીને ઝડપાયા

 

પોતાની સાથે ખોટું થયું હોવાનું અને ચૂપ રહી સહન કરવાની જગ્યાએ આખરે હિંમત ભેગી કરી કોન્ટ્રાક્ટર પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કરતા હાલ તમામ આરોપી અક્ષય ભાગળિયા, એજાજ સલાટ, એક મહિલા અને અન્ય અજાણ્યા શખ્સોને ઝડપી પાડી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

3 દિવસના રિમાન્ડ મંજૂર

 

પાલનપુર તાલુકા પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરતા એજાજ સલાટ અને ડાયા ભાગળિયાની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *