સોનું ના ખરીદવા PMએ લોકોને કરી અપીલ, જાણો ભારતીય અર્થતંત્રમાં સોનાનું મહત્વ અને વધતી જતી આયાતની સમસ્યા

Spread the love
ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર એક ધાતુ નથી, પણ તે સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક સુરક્ષાનું પ્રતીક છે. જોકે, વ્યક્તિગત રીતે ફાયદાકારક જણાતું સોનું રાષ્ટ્રીય સ્તરે અર્થતંત્ર માટે પડકારરૂપ બની રહ્યું છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ માટે સોનાની ખરીદી ટાળવા અપીલ કરી છે, જેની પાછળ ગહન આર્થિક કારણો જવાબદાર છે.

ભારતની સોના પરની નિર્ભરતાભારત વિશ્વમાં ચીન પછી સોનાનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત દર વર્ષે 700 થી 900 ટન સોનું વાપરે છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન માત્ર 1 થી 2 ટન જ છે. એટલે કે, આપણે આપણી 90% થી વધુ જરૂરિયાત માટે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડે છે. વર્ષ 2025-26 દરમિયાન આ આયાતનું બિલ $50 બિલિયનથી $60 બિલિયનને પાર કરી ગયું હતું.

અર્થતંત્ર પર સોનાનો બોજસોનાની આયાતની સૌથી નકારાત્મક અસર દેશના ‘કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ’ (CAD) એટલે કે ચાલુ ખાતાની ખાધ પર પડે છે. સોનું ખરીદવા માટે દેશે મોટી માત્રામાં વિદેશી મુદ્રા (ડોલર) ચૂકવવા પડે છે. કાચા તેલ પછી સોનું ભારતની બીજી સૌથી મોટી આયાત વસ્તુ છે, જે કુલ આયાત બિલના અંદાજે 9% હિસ્સો ધરાવે છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધે છે અને સાથે સોનાની આયાત પણ વધે છે, ત્યારે ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર ભારે દબાણ આવે છે. આ સ્થિતિમાં રૂપિયો નબળો પડે છે અને મોંઘવારી વધવાની શક્યતા રહે છે. સોનાની આયાત કોઈ ઉત્પાદક કાર્યમાં સીધી મદદ કરતી નથી, જેમ કે મશીનરી કે કાચો માલ ફેક્ટરીઓ ચલાવવામાં મદદ કરે છે, તેથી અર્થશાસ્ત્રીઓ તેને ‘મૃત રોકાણ’ તરીકે પણ જુએ છે.

આયાતમાં કેમ આવ્યો ઘટાડો?વર્ષ 2026 ની શરૂઆતમાં સોનાની આયાતમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં 100 ટનની આયાત ફેબ્રુઆરીમાં 65 ટન અને માર્ચમાં ઘટીને માત્ર 20-22 ટન પર પહોંચી ગઈ છે. આ છેલ્લા 30 વર્ષના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે. આ ઘટાડા પાછળ સોનાના વધતા ભાવો ઉપરાંત વહીવટી પ્રક્રિયામાં થયેલો વિલંબ પણ જવાબદાર છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં બેંકોને અપાતી ઈમ્પોર્ટ પરવાનગીમાં વિલંબ અને કસ્ટમ ડ્યુટીના નવા નિયમોને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે.

ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને યુદ્ધ જેવી સ્થિતિમાં સોનું હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે, જે અર્થતંત્રને સ્થિરતા આપે છે. પરંતુ, જ્યારે દેશ આર્થિક સંતુલન જાળવવા મથતો હોય, ત્યારે બિનજરૂરી સોનાની ખરીદી ઘટાડવી એ રાષ્ટ્રહિતમાં છે. PM મોદીની અપીલ પાછળનો હેતુ દેશના નાણાંને બિનઉત્પાદક અસ્કયામતોમાંથી બચાવીને વિકાસલક્ષી કાર્યોમાં વાપરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *