સુરત, 11 મે (હિ.સ.): સુરતમાં રહેતા 72 વર્ષીય સિનિયર સિટીઝન સાથે ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે કરોડોની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ પોતાને મુંબઈ સાયબર ક્રાઈમ અને CBI અધિકારી તરીકે ઓળખાવી વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા હોવાનું કહી ભયભીત કર્યા હતા. આરોપીઓએ આધાર કાર્ડ પરથી લેવામાં આવેલા સિમનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં થયો હોવાનો દાવો કરીને તેમને સતત વીડિયો કોલ દ્વારા નજર હેઠળ રાખ્યા હતા.
ઠગોએ પીડિતને 28 દિવસ સુધી માનસિક દબાણમાં રાખીને તેમની સામે કાર્યવાહી થવાની ધમકી આપી હતી. આ દરમિયાન નકલી પોલીસ અને ક્રાઈમ બ્રાંચના લેટર મોકલી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. આરોપીઓએ કહ્યું હતું કે ધરપકડથી બચવા માટે બેંક ખાતા અને રોકાણમાંથી રકમ કાઢીને RBI વેરિફિકેશન કરાવવું પડશે. ડરના માહોલમાં વૃદ્ધ પાસેથી કુલ 1.47 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.
સુરત સાયબર ક્રાઈમ સેલે, ટેક્નિકલ તપાસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે અમદાવાદના ગોતા વિસ્તારમાં દરોડો પાડી 37 વર્ષીય ઉર્જિત કવિની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર આરોપીના ICICI બેંક ખાતામાંથી આશરે 39 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેના ખાતામાં કુલ 2.84 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા છે અને આ જ ખાતા સામે દેશભરમાં 12 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર ધરપકડ કરતી નથી કે પૈસાની માંગ કરતી નથી. જો કોઈ વ્યક્તિ પોલીસ, CBI અથવા EDના નામે ડરાવી પૈસા માંગે તો તરત જ 1930 હેલ્પલાઈન અથવા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો જોઈએ. હાલમાં પોલીસે આ આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.
