પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં યુદ્ધની પરિસ્થિતિ અને તણાવ સતત વધી રહ્યો છે, જેને પગલે ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક ખાસ 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સોમવારે આ મામલે યોજાયેલી એક બ્રીફિંગમાં અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે, પરંતુ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા અને દરિયાઈ વેપારને નુકસાન ન થાય તે માટે સરકાર સતત કામ કરી રહી છે.
ઈરાનમાંથી 2549 ભારતીયોનું રેસ્ક્યુ, ફ્લાઈટની સ્થિતિમાં સુધારો
MEA ના અધિક સચિવ અસીમ આર મહાજને જણાવ્યું કે, તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જમીન સરહદ મારફતે અત્યાર સુધીમાં 2549 ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક ઈરાનમાંથી બહાર કાઢ્યા છે. ભારત સરકારે હાલ પૂરતી તમામ નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવા અને ત્યાં રહેતા લોકોને તાત્કાલિક દેશ છોડી દેવાની કડક સલાહ આપી છે.
ફ્લાઈટ ઓપરેશન અંગે અપડેટ આપતા તેમણે કહ્યું કે, “યુએઈ (UAE), સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનનું હવાઈ ક્ષેત્ર અત્યારે ખુલ્લું છે અને ભારતીય ફ્લાઈટ્સ ચાલી રહી છે. જ્યારે કતાર, ઈરાક અને ઈરાનનું એરસ્પેસ આંશિક રીતે જ ખુલ્લું છે. ઈઝરાયેલમાં પણ મર્યાદિત ફ્લાઈટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.”
દરિયામાં ભારતીય જહાજો અને નાવિકો સુરક્ષિત
બંદરો અને શિપિંગ મંત્રાલયના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ રાહત આપતા સમાચાર આપ્યા છે કે, છેલ્લા 3 દિવસમાં ભારતીય ધ્વજ વાળા કોઈ પણ વેપારી જહાજ કે ભારતીય નાવિકો પર કોઈ હુમલો કે ઘટના બની નથી. દરિયામાં પણ તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. શિપિંગ વિભાગના કંટ્રોલ રૂમને અત્યાર સુધીમાં લગભગ 8,889 કોલ્સ અને 19,758 ઈમેલ્સ મળ્યા છે.
વિદેશ મંત્રાલયના સંકલનથી અત્યાર સુધીમાં 3096 થી વધુ ભારતીય નાવિકોને ખાડીના અલગ-અલગ દેશોમાંથી સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા છે. ભારતના બંદરો પર પણ કામગીરી એકદમ નોર્મલ ચાલી રહી છે.
દૂતાવાસોની 24 કલાક હેલ્પલાઈન અને રાજ્ય સરકારો સાથે સંકલન
MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અસીમ મહાજને વધુમાં જણાવ્યું કે, “અમે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયોની સલામતી માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંપર્કમાં છીએ. આ ઉપરાંત, ત્યાં રહેલા ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા 24 કલાક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જે લોકોને સ્થાનિક માર્ગદર્શિકા, ફ્લાઈટની સ્થિતિ અને મુસાફરી વિશે સતત માહિતી અને મદદ પૂરી પાડી રહી છે.”
આ તમામ હિલચાલ વચ્ચે ઈરાને યુદ્ધ રોકવા માટે અમેરિકા સમક્ષ આર્થિક નાકાબંધી હટાવવા અને ઈરાનની સંપત્તિ મુક્ત કરવા જેવી શરતો મૂકી છે. હવે આગળ અમેરિકા શું પગલાં લેશે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.
