અમદાવાદના નિકોલની ચકચારી ઘટના: જ્વેલરી શો રુમમાં કામ કરતી મહિલા દોઢ કરોડના દાગીના લઈને ભાગી ગઈ

Spread the love

નિકોલ વિસ્તારમાં આવેલા એક જાણીતા જ્વેલરી શોરૂમમાંથી આશરે દોઢ કરોડ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીનાની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે શોરૂમ માલિકે પોતાની જ મહિલા કર્મચારી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નિકોલના અનમોલ સર્કલ નજીક ગ્રેવીટી શોપિંગ મોલમાં આવેલા આભૂષણ સોના-ચાંદીના શોરૂમ ચલાવતા દર્શન જવાહરલાલ શાહે આ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે કે મહિલા કર્મચારી દ્વારા ચોરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શોરૂમમાં છેલ્લા અઢી વર્ષથી વેપાર ધંધો ચાલી રહ્યો છે. શોરૂમમાં કુલ 19 જેટલા કર્મચારીઓ કાર્યરત છે.

 

ફરિયાદ અનુસાર, 11 મે 2026ના રોજ રાબેતા મુજબ શોરૂમ ખુલ્યો હતો અને સાંજે લગભગ પાંચ વાગ્યે તેઓ શોરૂમ પરત ફર્યા ત્યારે એક ગ્રાહકને દાગીના બતાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના કાનજીભાઈએ ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ગુમ હોવાનું ધ્યાન દોર્યું હતું. ગ્રાહક જતાં રહ્યા બાદ વધુ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન માર્કેટિંગ અને સેલ્સ વિભાગમાં કામ કરતી હર્ષિદાબેન રાજેન્દ્રભાઈ શેટ્ટી શોરૂમમાં હાજર ન હોવાનું સામે આવ્યું હતું.

 

સ્ટાફે જણાવ્યું કે તેઓ કોઈ ઇમરજન્સી કામ હોવાનું કહીને બહાર ગયા હતા, જોકે માલિકે તેમને કોઈ રજા આપી નહોતી. શંકા જતાં શોરૂમના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં હર્ષિદાબેન કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાંના ખિસ્સામાં અને બેગમાં મૂકતા દેખાયા હતા.

 

ત્યારબાદ તેઓ શોરૂમમાંથી બહાર નીકળતા પણ કેમેરામાં કેદ થયા હતા. માલિકે તેમના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં શોરૂમમાં રાખેલા અન્ય દાગીનાની ગણતરી કરતા કુલ 1211 ગ્રામથી વધુ વજનના સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે શો રૂમ માલિકે ચોરીમાં ગયેલા દાગીનામાં સોનાની ચેઇન, લકી, વીંટીઓ, મંગળસૂત્ર, પેન્ડલ અને સોનાની ઘડિયાળ સહિતના દાગીના મહિલા કર્મચારીએ ચોરી કર્યાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

 

ચોરી થયેલા સોનાના દાગીનાની અંદાજીત કિંમત રૂ. 1.66 કરોડ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ નિકોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *