“ગ્રાહકોએ તો હજુ કંઈ જોયું જ નથી, સ્થિતિ વધારે બગડવાની છે” PM મોદી બાદ હવે દિગ્ગજ બેન્કર ઉદય કોટકે દેશને કર્યો સાવધ

Spread the love

ભારતમાં આર્થિક સ્થિતિ ખૂબ જ જલ્દી અને ઘણી વધારે બગડવાની છે. આવું કહેવું છે દેશના સૌથી પ્રતિષ્ઠિત બેન્કરોમાંના એક અને કોટક મહિન્દ્રા બેંકના ફાઉન્ડર ઉદય કોટકનું. તેમણે મંગળવારે CIIની એન્યુઅલ બિઝનેસ સમિટમાં કહ્યું કે, “મારું માનવું છે કે આપણે આવનારા ખતરા માટે પહેલાથી જ તૈયારી કરી લેવી જોઈએ.” ઉદય કોટકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સોનું ન ખરીદવા, પેટ્રોલ-ડીઝલનો ખર્ચ ઓછો કરવા અને વિદેશ યાત્રા પર રોક લગાવવા જેવી અપીલ કરી છે.

PMના નિવેદને જે મોટા સંકટ તરફ ઈશારો કર્યો હતો, ઉદય કોટકે તે વાત ખુલીને સૌની સામે રાખી દીધી છે.

 

ઉદય કોટકે કહ્યું છે કે, “આપણે આશા રાખવી જોઈએ કે સંકટનો સમય ન આવે અને ન રહે, પરંતુ આપણે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે પણ પોતાને તૈયાર કરી લેવા જોઈએ. વાત તૈયારીની છે. રાહ જોવા કરતા સારું છે કે મુશ્કેલ સમય માટે તૈયાર રહીએ. ખાડીમાં ચાલી રહેલા યુદ્ધ છતાં એનર્જીના વધેલા ભાવોની અસર છેલ્લા 2 મહિનામાં આપણે સામાન્ય લોકો પર નથી જોઈ. હવે આ થવાનું છે અને તે ખૂબ ભયાનક હશે. ગ્રાહકોએ તો હજુ કંઈ જોયું જ નથી. ખતરો આવી રહ્યો છે અને તે ખૂબ નજીક છે. આનાથી બચવાનો એક જ રસ્તો છે કે આવતીકાલ સવારે જ ઈરાન યુદ્ધ સમાપ્ત થઈ જાય, પરંતુ તેની આશા તો સૌ 28 ફેબ્રુઆરીથી જ રાખી રહ્યા છે.”

 

ભારતે વિચાર બદલવો પડશે

 

ઉદય કોટકે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક ખૂબ જ અનોખી અને ઊંડી વાત કહી છે. તેમણે હિન્દુ દર્શનના ‘ત્રિમૂર્તિ’ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)ના ઉદાહરણથી સમજાવ્યું છે કે, ભારતે હવે પોતાની વિચારધારા બદલવી પડશે. તેમણે કહ્યું કે, વિષ્ણુથી આગળ વધીને બ્રહ્મા અને મહેશને અપનાવવા પડશે.

 

ઉદય કોટકનું કહેવું છે કે, ભારત અત્યારે “વિષ્ણુ” મોડમાં વધારે છે, એટલે કે આપણી પાસે જે છે તેને સુરક્ષિત રાખવા અને બચાવવા (Preservation) પર આપણું તમામ ધ્યાન છે, પરંતુ એક શક્તિશાળી અર્થવ્યવસ્થા બનવા માટે આપણે:

 

બ્રહ્મા (Creation): નવી વસ્તુઓ, નવી ટેકનોલોજી અને નવા બિઝનેસ ઉભા કરવા પડશે.

 

મહેશ (Disruption): જે જૂનું અને નકામું થઈ ગયું છે, તેને ખતમ કરીને ફેરફાર લાવવો પડશે.

 

અર્થ: ફક્ત જૂની વસ્તુઓને બચાવી રાખવાથી કામ નહીં ચાલે, જોખમ લેવું અને કંઈક નવું બનાવવું જરૂરી છે.

 

 

દુનિયા હવે નોર્મલ નહીં થાય

 

કોટક કહે છે કે, લોકો અવારનવાર વિચારે છે કે જ્યારે પણ કોઈ સંકટ (જેમ કે યુદ્ધ કે મંદી) આવે છે, ત્યારે વસ્તુઓ ફરીથી પહેલા જેવી ‘નોર્મલ’ થઈ જશે, પરંતુ સત્ય એ છે કે દુનિયા બદલાઈ ચૂકી છે. હવે આપણે જૂની સ્થિતિમાં પાછા ફરવાની રાહ જોવાને બદલે નવા સંજોગો મુજબ પોતાને ઢાળવા જોઈએ. તેમણે ચેતવણી આપી કે દુનિયા 1945 પહેલાના ગાળામાં જઈ રહી છે, જ્યાં “જીસકી લાઠી ઉસકી ભેંસ” જેવો હિસાબ હતો.

બિઝનેસ મજબૂત કરવા પડશે

 

કોટકે ભારતમાં વ્યવસાયોને વધુ મજબૂત બનાવવાની ભલામણ કરી છે. આ માટે તેમણે અમેરિકાનું ઉદાહરણ આપ્યું હતું. કોટકના જણાવ્યા અનુસાર, અમેરિકાની અસલી તાકાત તેની સરકાર નહીં, પરંતુ ત્યાંના બિઝનેસ છે. અમેરિકા એવી વસ્તુઓ અને સેવાઓ બનાવે છે જેને આખી દુનિયા ખરીદે છે. ભારતે પણ ફક્ત સરકારના ભરોસે રહેવાને બદલે પોતાની કંપનીઓ અને વ્યાપારને એટલો મજબૂત બનાવવો પડશે કે દુનિયા આપણી તરફ જુએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *