‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા

Spread the love
ઈરાન અને અમેરિકા વચ્ચેનો ગજગ્રાહ હવે ખતરનાક વળાંક લઈ રહ્યો છે અને પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેમના પર ફરીથી હુમલો કરવામાં આવશે, તો તેઓ યુરેનિયમનું સંવર્ધન વધારીને 90% સુધી લઈ જશે, જે પરમાણુ હથિયાર બનાવવા માટે પૂરતું છે. આ નિવેદને સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બંને દેશો વચ્ચે અત્યંત નાજુક યુદ્ધવિરામ ચાલી રહ્યો છે.

ઈરાનનું આ વલણ અમેરિકા માટે મોટો સુરક્ષા પડકાર બની શકે છે.

 

ઈરાની સંસદના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ આક્રમક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે જો ઈરાન પર ફરીથી હુમલો થયો, તો તે 90% સુધી યુરેનિયમ શુદ્ધ કરી શકે છે, જે સીધું પરમાણુ શસ્ત્રો બનાવવા માટે વાપરી શકાય. અગાઉ જૂન 2025 માં, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇઝરાયેલ અને અમેરિકાના હુમલાથી ઈરાનની પરમાણુ ક્ષમતાને મોટું નુકસાન થયું છે. જોકે, ઈરાન પાસે અત્યારે પણ 60% સુધી સમૃદ્ધ 400 કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો હોવાનું મનાય છે, જેનો ભવિષ્યમાં શું ઉપયોગ થશે તે હજુ સ્પષ્ટ નથી.

બીજી તરફ, અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે જ્યાં સુધી ઈરાનનું યુરેનિયમ સંવર્ધન સંપૂર્ણપણે નાબૂદ કરવામાં ન આવે, ત્યાં સુધી આવા હુમલાઓની ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કોઈ મોટી અસર થશે નહીં. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં હાલમાં યુદ્ધવિરામ અમલમાં છે, પરંતુ તે ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે બંને પક્ષો કોઈ નક્કર સમાધાન પર પહોંચ્યા નથી. અમેરિકા સતત દબાણ કરી રહ્યું છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે છોડી દે, પરંતુ ઈરાન પોતાની શરતો પર મક્કમ દેખાઈ રહ્યું છે.

ઈરાનના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે આ મામલે વધુ કડક વલણ અપનાવતા કહ્યું છે કે અમેરિકા પાસે ઈરાનનો 14-મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે ચેતવણી આપી છે કે અમેરિકા આ પ્રસ્તાવ સ્વીકારવામાં જેટલો વિલંબ કરશે, તેટલી જ મોટી કિંમત અમેરિકાના કરદાતાઓએ ચૂકવવી પડશે. ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વળતો હુમલો કરવા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે અને તેઓ એટલો જોરદાર હુમલો કરશે કે અમેરિકા પણ ચોંકી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *