મુશ્કેલ સમયમાં આ દેશે ભારતને મદદની આપી ખાતરી, કહ્યું – કોઈ પણ સંજોગોમાં ઇંધણ અને ઊર્જાની અછત નહીં થવા…

Spread the love

દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે ભારતના જૂના અને વિશ્વાસુ મિત્ર રશિયાએ એક મોટી ખાતરી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે ભારતને ક્યારેય ઇંધણ કે ઊર્જાની અછત નહીં પડવા દેવામાં આવે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS 2026 બેઠક પહેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની મિત્રતા એટલી અતૂટ છે કે તેમના રસ્તા ક્યારેય અલગ થઈ શકે જ નહીં.

પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા ભારતને તેલ, ગેસ અને પરમાણુ ઊર્જા પૂરી પાડવાનું સતત ચાલુ રાખશે.

 

અત્યારે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે આખી દુનિયામાં ઇંધણની ભારે અછત ઊભી થઈ છે. આવા કપરા સમયે રશિયાએ ફરી એકવાર ભારતનો સાથ નિભાવવાની વાત દોહરાવી છે. ‘રશિયા ટુડે-ઈન્ડિયા’ ને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં લાવરોવે જણાવ્યું કે, રશિયાએ ઊર્જા પૂરી પાડવાના પોતાના કરારો નિભાવવામાં ક્યારેય કોઈ કસર છોડી નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “અમે એવા પૂરા પ્રયાસો કરીશું કે ભારતને કોઈ જ નુકસાન ન થાય. દુનિયાની આ અયોગ્ય સ્પર્ધા અને દબાણ આપણા કરારોને નબળા નહીં પાડી શકે. અમે ભારતને ગેસ, તેલ અને કોલસો સપ્લાય કરવાનું કાયમ રાખીશું.”

તેમણે તમિલનાડુમાં રશિયન ટેકનોલોજીની મદદથી બની રહેલા ‘કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ નો પણ ખાસ ઉલ્લેખ કર્યો. માર્ચ 2002 માં શરૂ થયેલા આ પ્રોજેક્ટનું પહેલું યુનિટ ફેબ્રુઆરી 2016 થી 1000 મેગાવોટની ક્ષમતા સાથે સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. એક અંદાજ મુજબ 2027 સુધીમાં આખો પ્લાન્ટ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે. આ સાથે જ લાવરોવે PM મોદીને વિશ્વના સૌથી ઊર્જાવાન નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “પીએમ મોદી પાસે અદભુત ઊર્જા છે, અને તેઓ તેનો ઉપયોગ દેશના અર્થતંત્ર, સંરક્ષણ અને ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાચવવાની સાચી દિશામાં કરી રહ્યા છે.”

ભારત અને રશિયાના વર્ષો જૂના સંબંધો વિશે વાત કરતા વિદેશ મંત્રીએ “હિન્દી-રશિયન ભાઈ ભાઈ” નો નારો પણ યાદ કર્યો. તેમણે કહ્યું કે આ માત્ર બોલવાની વાત નથી, પણ રશિયાની સંસ્કૃતિનો એક અતૂટ ભાગ બની ગઈ છે. આજે પણ રશિયાના ખૂણે-ખૂણે રાજ કપૂર અને ભારતીય ફિલ્મો ખૂબ જ લોકપ્રિય છે. લાવરોવે સ્પષ્ટ કર્યું કે દુનિયાના કેટલાક દેશો (પશ્ચિમી દેશો) ભારત અને રશિયાના સંબંધો તોડવાનો અને પોતાના નિયમો થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ બંને દેશો આ બાબતે સતર્ક છે અને તેઓ ક્યારેય સફળ નહીં થાય.

 

તમને જણાવી દઈએ કે, રશિયન વિદેશ મંત્રી લાવરોવ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ખાસ મુલાકાત કરશે અને BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠકોમાં બંને દેશો વચ્ચે વેપાર, ટ્રાન્સપોર્ટ, સ્પેસ ટેકનોલોજી અને ઊર્જા ક્ષેત્રે સહકાર વધારવા પર ચર્ચા થશે. આ ઉપરાંત પશ્ચિમી દેશોના દબાણોથી બચીને સુરક્ષિત આર્થિક લેવડ-દેવડ કેવી રીતે ચાલુ રાખવી તે મુદ્દે પણ મહત્વની વાટાઘાટો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *