ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચામાં કાપ મૂકવા માટે અને ઈંધણની બચત કરવા એક મોટું અને ચોંકાવનારું પગલું ભર્યું છે. પીએમ મોદીએ પોતે પહેલ કરતા પોતાની સુરક્ષામાં તૈનાત SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને નિર્દેશ આપ્યો છે કે તેમના કાફલામાં ગાડીઓની સંખ્યાને 50 ટકા ઘટાડવામાં આવે. હવે તમારા મનમાં એ પ્રશ્ન જરૂર ઉઠશે કે આખરે પીએમની સાથે કેટલી ગાડીઓનો કાફલો હોય છે અને હવે ઘટીને કેટલો રહેશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ સુરક્ષાના બ્લૂ બુક નિયમોનું પાલન કરતા કાફલાને નાનો કરવાનું કહ્યું છે. હાલમાં જ દિલ્હીથી બહારના પ્રવાસમાં પીએમનો કાફલો પહેલા કરતા નાનો નજરે ચડ્યો. આ સાથે જ પીએમએ કાફલામાં ઈલેક્ટ્રિક વાહનો વધારવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેનાથી નવી ગાડીઓ ખરીદીને વધારાનો સરકારી ખર્ચ વધારવામાં ન આવે.
પીએમ મોદીના કાફલામાં અનેક સરકારી ગાડીઓ સામેલ હોય છે. પીએમ મર્સિડિઝ-મેબેક S650 ગાર્ડ અને રેન્જ રોવર સેન્ટિનલનો ઉપયોગ કરે છે. આ સાથે જ કાફલામાં એસ્કોર્ટ માટે ટોયોટા ફોર્ચ્યુનર અને ટોયોટા લેન્ડ ક્રૂઝરનો ઉપયોગ થાય છે. આ સાથે એક ડઝન વધુ ગાડીઓ પણ કાફલામાં સામેલ હોય છે. પીએમના કાફલાની સાથે એક જામર ગાડી પણ સાથે હોય છે. જે રોડની બંને બાજુ 100 મીટરના દાયરામાં કોઈ પણ ડિવાઈસને ડિફ્યૂસ કરી શકે છે. પીએમના કાફલામાં એક ડમી કાર પણ સાથે હોય છે. જેનાથી આતંકીઓને ગુમરાહ કરી શકાય. પીએમના કાફલામાં લગભગ 100 જવાન સામેલ હોય છે. હવે પીએમના નિર્દેશ બાદ SPG સુરક્ષાને જોતા વાહનોની સંખ્યા ઘટાડશે.
પીએમ મોદીની સુરક્ષામાં દરેક સમયે SPGના લગભગ 24 કમાન્ડો સૌથી નજીકના ઘેરામાં રહે છે. જે 4 લેયરની સુરક્ષાનો ભાગ હોય છે અને તેની આસપાસ રહે છે. પીએમના નિર્ણય બાદ કમાન્ડોની સંખ્યામાં પણ કઈ ફેરફાર થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
પીએમ મોદીની આ પહેલને દેશ માટે એક મોટો સંકત તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે ભારત સરકારના બીજા મંત્રાલય અને વિભાગ પણ ફાલતુ ખર્ચા રોકવા માટે કમર કસી રહ્યા છે. સરકારની અંદર પણ એ ઉપાયો પર ચર્ચા તેજ થઈ છે કે કર્મચારીઓને ઓફિસે આવવા જવા માટે મેટ્રોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવા, અધિકારી એક જ ગાડી શેર કરવા ઓફિસ પહોંચે, બિનજરૂરી યાત્રા અને મોટા કાર્યક્રમોના આયોજનથી બચવું.
હાલમાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી મંત્રીઓની બેઠકમાં પણ ઈંધણના ઉપયોગને ઘટાડવા પર ચર્ચા થઈ. પીએમ મોદીએ પહેલેથી જ હૈદરાબાદ પ્રવાસ દરમિયાન દેશવાસીઓને ઈંધણ અને સોનાનો વપરાશ ઘટાડવાની અપીલ કરી હતી.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે તેઓ સતત દેશવાસીઓને ઈંધણ અને સોનાનો વપરાશ ઘટાડવાની અપીલ કરી રહ્યા છે. પશ્ચિમ એશિયાના તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના કારણે ઈંધણ શિપિંગ પ્રભાવિત થયા છે, જેને જોતા પીએમ મોદીએ રવિવારે હૈદરાબાદના પ્રવાસ દરમિયાન લોકોને ઈંધણ અને સોનાનો વપરાશ ઘટાડવાની અપીલ પણ કરી હતી. તેના ગણતરીના કલાકો બાદ પીએમ મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પણ આ અપીલ દોહરાવી.