પરમાણુ યુદ્ધ ટળશે?: ઈરાન મંત્રણા માટે તૈયાર પણ અમેરિકા સામે મૂકી 5 આકરી શરતો, જાણો તેહરાનનો માસ્ટરપ્લાન

Spread the love
વિશ્વ પર મંડરાઈ રહેલા પરમાણુ યુદ્ધના ખતરા વચ્ચે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ ઈરાને અમેરિકા સાથે પરમાણુ કાર્યક્રમ અંગે ફરીથી મંત્રણા કરવા માટે તૈયારી દર્શાવી છે. જોકે, ઈરાને આ વાતચીત શરૂ કરતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સામે 5 એવી શરતો મૂકી છે જે અમેરિકા માટે માનવી લોઢાના ચણા ચાવવા સમાન છે.
તેહરાને સ્પષ્ટ કર્યું છે કે જો આ શરતો પર સમજૂતી નહીં થાય, તો પરમાણુ ડીલ (Nuclear Deal) ના દરવાજા હંમેશા માટે બંધ થઈ શકે છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ વિવાદ હવે એવા વળાંક પર છે જ્યાંથી કાં તો સંપૂર્ણ શાંતિ સ્થપાઈ શકે છે અથવા તો મોટું વૈશ્વિક સંકટ ઊભું થઈ શકે છે. ઈરાનની સૌથી પહેલી માંગ તમામ મોરચે ચાલી રહેલા યુદ્ધનો તાત્કાલિક અંત લાવવાની છે. આ સાથે જ ઈરાને તેના પર લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધો હટાવવા અને વિદેશી બેન્કોમાં ફ્રીઝ કરાયેલી તેની અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવા દબાણ કર્યું છે.
ઈરાનની 5 મુખ્ય શરતો: જેણે અમેરિકાની ઉંઘ ઉડાડી
ઈરાને મંત્રણાના ટેબલ પર આવવા માટે નીચે મુજબની શરતોની યાદી રજૂ કરી છે:
યુદ્ધનો અંત: તમામ સ્તરે ચાલી રહેલા સંઘર્ષો અને હુમલાઓનો તુરંત અંત.
પ્રતિબંધોની નાબૂદી: ઈરાન પરના તમામ આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધો પાછા ખેંચવા.
સંપત્તિની મુક્તિ: વિદેશી બેંકોમાં રોકી રાખવામાં આવેલી ઈરાનની અબજોની માલિકીની સંપત્તિ પરત કરવી.
નુકસાનની ભરપાઈ: યુદ્ધ અને હુમલાઓને કારણે ઈરાનને જે આર્થિક નુકસાન થયું છે તેની અમેરિકાએ સંપૂર્ણ ભરપાઈ કરવી પડશે.
હોર્મુઝની સંધિ: ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પર ઈરાનના સાર્વભૌમ અધિકારનો સ્વીકાર કરવો.
ઈરાનની પાંચમી શરત એટલે કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર પોતાનો અધિકાર જમાવવાની માંગ અમેરિકા માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક તેલના વેપાર માટે લાઇફલાઇન સમાન છે. જો અહીં ઈરાનનું વર્ચસ્વ સ્વીકારવામાં આવે, તો વૈશ્વિક તેલની કિંમતો અને પુરવઠો ઈરાનના હાથમાં આવી શકે છે, જે અમેરિકા ક્યારેય ઈચ્છશે નહીં.
આ નાજુક પરિસ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની મુલાકાતે છે. રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે ચીન આ વિવાદમાં મધ્યસ્થી બનીને યુદ્ધ રોકવા માટે કોઈ મોટી ભૂમિકા ભજવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા. હાલમાં ભલે અસ્થાયી યુદ્ધવિરામ (Ceasefire) હોય, પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે.
જ્યાં ઈરાન નુકસાનની ભરપાઈ અને અધિકારોની વાત કરે છે, ત્યાં અમેરિકાનું એકમાત્ર લક્ષ્‍ય ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા રોકવાનું છે. અમેરિકાની માંગ છે કે ઈરાન પોતાનો યુરેનિયમનો જથ્થો દેશની બહાર મોકલે અને તેનું ઉત્પાદન કાયમી ધોરણે બંધ કરે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પના ચીન પ્રવાસ બાદ આ પરમાણુ કોયડો ઉકેલાય છે કે પછી તણાવ વધુ ઘેરો બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *