શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા ‘આભૂષણ જ્વેલર્સ’માં કરોડો રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ચોરી અન્ય કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ શો-રૂમમાં છેલ્લા 11 મહિનાથી કામ કરતી સેલ્સ ગર્લે જ અંજામ આપ્યો છે. એટલું જ નહીં, સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી શો-રૂમમાંથી 20-25 લાખ નહીં, પરંતુ 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે.
નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે.
PM મોદીની અપીલ બાદ માત્ર 2 કાર સાથે CM ભૂપેન્દ્ર પટેલ રાજુલા પહોંચ્યા; રાજ્યપાલ ટ્રેન-બસમાં કરશે સફર
સેલ્સ ગર્લનો ‘સ્માઈલિંગ’ માસ્ટરપ્લાન
ચોરીની સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી સેલ્સ ગર્લ હર્ષિતા શેટ્ટી જેણે પ્રોફેશનલ શૂટ-પેન્ટ પહેરેલું છે અને ચહેરા પર એક મનમોહક સ્મિત છે, તે અત્યંત ચાલાકીથી દાગીના ચોરી રહી છે. ગ્રાહકોની સેવા કરવાને બદલે તે પોતાની નજર કિંમતી આભૂષણો પર રાખતી હતી.
વિશ્વાસ જીત્યો અને પછી ખેલ ખેલ્યો
આરોપી હર્ષિદા શેટ્ટીએ શો-રૂમમાં નોકરી દરમિયાન પોતાના કામ અને સ્વભાવથી મેનેજમેન્ટનો પૂરો ભરોસો જીતી લીધો હતો. જોકે, આ આડમાં તે લાંબા સમયથી ચોરીનું વ્યવસ્થિત કાવતરું ઘડી રહી હતી. તેની ચોરી કરવાની પદ્ધતિ એટલી સિફતપૂર્વકની હતી કે મહિનાઓ સુધી કોઈને શંકા સુદ્ધા ન ગઈ.
ઘટનાની વિગત એવી છે કે, સાંજે 5 વાગ્યે શો-રૂમના માલિક દર્શનભાઈ જ્યારે દુકાન પર આવ્યા, ત્યારે એક ગ્રાહકની હાજરીમાં સ્ટોકની તપાસ કરતા સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાંથી એક સોનાની લકી ઓછી હોવાનું જણાયું હતું. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે સેલ્સ ગર્લ હર્ષિદા હાજર નથી. પૂછપરછ કરતા અન્ય સ્ટાફે જણાવ્યું કે તે ‘ઇમરજન્સી કામ’ હોવાનું કહી 4:30 વાગ્યે નીકળી ગઈ છે. જોકે, માલિકે તેને આવી કોઈ રજા આપી ન હોવાથી શંકા દ્રઢ બની હતી.
CCTVમાં કેદ થઈ કરતૂત
શંકાના આધારે જ્યારે CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. હર્ષિદા સાંજે 4 થી 4:30 દરમિયાન કબાટમાંથી દાગીના કાઢીને પોતાના બ્લેઝરના ખિસ્સામાં છુપાવતી સ્પષ્ટ જોવા મળી હતી. દાગીના ખિસ્સામાં મૂક્યા બાદ તે બીજા માળે સ્ટોર રૂમમાં ગઈ, પોતાની બેગ લીધી અને કોઈને કહ્યા વગર શો-રૂમની બહાર નીકળી ગઈ.
જ્યારે શો-રૂમમાં સ્ટોકનું ઓડિટ કરવામાં આવ્યું, ત્યારે માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હર્ષિદાએ માત્ર એક દિવસમાં નહીં, પણ છેલ્લા 11 મહિનામાં ટુકડે-ટુકડે દાગીના ચારતી હતી. હર્ષિદાનો મોબાઈલ ફોન હાલ સ્વીચ ઓફ આવી રહ્યો છે. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 1.66 કરોડ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ તપાસ તેજ
જ્યારે દાગીનાના સ્ટોકમાં ઘટ જોવા મળી અને તપાસ કરવામાં આવી ત્યારે આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. શો-રૂમના માલિકની ફરિયાદના આધારે નિકોલ પોલીસે હર્ષિતા શેટ્ટી વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુવતી હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
