રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે અત્યંત પીડાદાયક તબક્કામાં પહોંચી ગયું છે. યુદ્ધના મેદાનમાં તૈનાત યુક્રેનિયન સૈનિકોની હાલત એટલી ખરાબ છે કે તેઓ દુશ્મનોની ગોળીઓ કરતા ભૂખ અને તરસ સામે વધુ લડી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરો અને સૈનિકોની પત્નીઓની વેદનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
એક યુક્રેનિયન સૈનિકની પત્ની અનાસ્તાસિયા સિલચુકે ફેસબુક પર રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેના પતિ 14મી મેકેનાઇઝ્ડ બ્રિગેડમાં છે. અનાસ્તાસિયાએ જણાવ્યું કે સૈનિકો 10 થી 15 દિવસ સુધી ખોરાક વગર ફ્રન્ટલાઇન પર લડી રહ્યા છે. રેડિયો પર તેઓ મદદ માટે કરગરી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળતું નથી. સ્થિતિ એટલી ગંભીર છે કે સૈનિકો ભૂખને કારણે બેભાન થઈ રહ્યા છે અને તરસ છીપાવવા માટે વરસાદનું પાણી પીવા મજબૂર છે.
દક્ષિણ-પૂર્વી ડોનેટ્સક વિસ્તારમાં રશિયન બોમ્બમારાને કારણે અનેક મહત્વના પુલ તૂટી ગયા છે, જેનાથી ખોરાક અને પાણીની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. સૈનિકોના જણાવ્યા મુજબ, અત્યારે ડ્રોનનો ભય એટલો વધી ગયો છે કે રેશન પહોંચાડવું લગભગ અશક્ય બની ગયું છે. રશિયન સેના નાના અને સસ્તા આત્મઘાતી ડ્રોન દ્વારા કોઈ પણ હિલચાલ પર નજર રાખે છે, જેને કારણે રક્ષણાત્મક બંકરોમાં છુપાયેલા સૈનિકો સુધી અનાજ પહોંચી શકતું નથી.
અત્યંત દુબળા-પાતળા સૈનિકોની તસવીરો વાયરલ થયા બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પરિણામે, સંબંધિત બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સૈનિકોને ભોજન ન મળવું એ ‘રૂટિન’ ન બનવું .
રિપોર્ટ્સ મુજબ, માત્ર યુક્રેન જ નહીં, રશિયન સૈનિકો પણ સમાન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રશિયન સૈનિકોને નાના જૂથોમાં આગળ વધવાનો આદેશ અપાય છે, જે ઘણીવાર ડ્રોનનો શિકાર બને છે. 24 ફેબ્રુઆરી 2022 થી શરૂ થયેલું આ યુદ્ધ હવે બંને પક્ષો માટે માત્ર પ્રાદેશિક નહીં પણ શારીરિક અને માનસિક રીતે થકવી દેનારું સાબિત થઈ રહ્યું છે.