AMC ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ ફરજિયાત, જાણો કમિશનરનો નવો નિયમ

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે કરવામાં આવેલી અપીલની અમદાવાદમાં મોટી અસર જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમિશનર બંછાનિધિ પાની દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, હવેથી AMC માં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ (Car Pooling) નો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.

ઓફિસ આવવા-જવા માટે કાર અને ટુ-વ્હીલર શેરિંગ

 

ઇંધણની બચત કરવાના હેતુથી બહાર પડાયેલા આ નવા નિયમ અનુસાર, જો કોઈ કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા આસપાસની નજીકની ઓફિસમાં ફરજ બજાવતા હોય, તો તેમણે ઓફિસ આવવા-જવા માટે ફરજિયાત કાર પુલિંગ કરવાનું રહેશે. આ જ નિયમ ટુ-વ્હીલર (દ્વિચક્રી વાહન) ચાલકોને પણ લાગુ પડશે, જેમાં રહેઠાણની નજીક રહેતા સાથી કર્મચારીઓએ એકબીજા સાથે સમન્વય સાધીને ટુ-વ્હીલર શેરિંગ કરીને જ ઓફિસે આવવા-જવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

 

ફિલ્ડ વિઝિટમાં પણ નિયમનું કડક પાલન

 

આ નિયમ માત્ર ઓફિસ અપ-ડાઉન કરવા પૂરતો સીમિત નથી. પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે અધિકારીઓ કે કર્મચારીઓને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ (Field Visit) માટે જવાનું હોય, તેમણે પણ અલગ-અલગ વાહનો લઈ જવાને બદલે સાથી અધિકારીઓ સાથે કાર પુલિંગ અથવા ટુ-વ્હીલર શેરિંગ કરીને જ ફિલ્ડમાં જવાનું રહેશે.

 

પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા સૂચના

 

રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણ કંટ્રોલ કરવાના આ ઉમદા હેતુથી મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા ખાસ તાકીદ કરી છે. આ માટે મનપાના કર્મચારીઓને AMTS, BRTSઅને અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારવા જણાવાયું છે. AMC નો આ નિર્ણય પર્યાવરણ અને ટ્રાફિક મેનેજમેન્ટની દિશામાં એક ખૂબ જ સકારાત્મક પગલું માનવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *