
નોંધનીય છે કે, ગત 7 એપ્રિલના રોજ જાહેર કરાયેલી યુદ્ધવિરામ (Ceasefire) બાદ અમેરિકી હુમલાઓ હંગામી ધોરણે અટકાવી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે શાંતિ વાટાઘાટો લગભગ પડી ભાંગી છે. ટ્રમ્પના નજીકના અધિકારીઓએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ હજી હુમલાની અંતિમ મંજૂરી આપી નથી, પરંતુ પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ મંત્રાલય) ને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા કહી દેવાયું છે. અમેરિકાની મુખ્ય માંગણી ઈરાનનું સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને ક્રૂડ ઓઈલની અવરજવર માટે સૌથી મહત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાની છે. ઈરાને મોકલેલા શાંતિ પ્રસ્તાવોને ટ્રમ્પે નબળા ગણાવીને ફગાવી દીધા છે, જેના કારણે હવે લશ્કરી ઉકેલ સિવાય કોઈ રસ્તો બચ્યો ન હોવાનું અમેરિકા માની રહ્યું છે.
ઇઝરાયેલ અને અમેરિકાની સયુક્ત તૈયારીઓ: આગામી અઠવાડિયે જ થઈ શકે છે હુમલો
મિડલ ઈસ્ટના બે ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલની સેનાઓ ઈરાન પર સંયુક્ત રીતે ત્રાટકવા માટે આખરી તબક્કાની જોરદાર તૈયારીઓ કરી રહી છે. આ હુમલા આવતા અઠવાડિયે જ શરૂ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. અમેરિકી સંરક્ષણ સચિવ (Defence Secretary) પીટ હેગસેથે પણ આ અઠવાડિયે સંસદમાં જુબાની આપતા સ્પષ્ટ કર્યું હતું કે, “જો જરૂર પડશે તો અમારી પાસે યુદ્ધને વધુ આક્રમક સ્તરે લઈ જવાનો સચોટ પ્લાન તૈયાર છે.” ચીન જતા પહેલા ટ્રમ્પે પણ ગર્જના કરી હતી કે, “તેઓ કાં તો અમારી શરતો માનીને ડીલ કરશે, અથવા તો તબાહ થઈ જશે.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે કયા 3 મોટા સૈન્ય વિકલ્પો છે?
અમેરિકી સંરક્ષણ નિષ્ણાતોના મતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ઘૂંટણિયે લાવવા માટે આ ત્રણ વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે:
વિકલ્પ 1 (વધુ ઘાતક એરસ્ટ્રાઈક): ઈરાનના લશ્કરી મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પહેલા કરતા પણ વધુ શક્તિશાળી મિસાઈલ હુમલા કરવા. ટ્રમ્પે અગાઉ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવાની ધમકી આપી હતી, જેને યુદ્ધ અપરાધ (War Crime) ગણાવી વિશ્વભરમાં વખોડવામાં આવી હતી.
વિકલ્પ 2 (ગ્રાઉન્ડ ઓપરેશન): અમેરિકાના સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસને જમીન માર્ગે ઈરાનની ધરતી પર ઉતારવા, જેથી જમીનની અંદર ઊંડે છુપાયેલા પરમાણુ મટીરિયલનો નાશ કરી શકાય. જોકે, આ ઓપરેશનમાં હજારો સૈનિકોના જીવનું જોખમ વધી જાય તેમ છે.
વિકલ્પ 3 (ખાર્ગ આઇલેન્ડ પર કબજો): ઈરાનના ઓઈલ નિકાસના મુખ્ય હબ ગણાતા ‘ખાર્ગ આઇલેન્ડ’ પર અમેરિકી સેના કબ્જો જમાવી લે. પરંતુ આ ટાપુ પર લાંબા સમય સુધી નિયંત્રણ રાખવા માટે અઢળક નાણાં અને વિશાળ સૈન્ય બળની જરૂર પડશે.
નવેમ્બરની ચૂંટણી અને સાથી દેશોનું દબાણ: ટ્રમ્પ માટે કપરા ચઢાણ
યુદ્ધના નગારા વાગી રહ્યા છે, પરંતુ બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આ નિર્ણય રાજકીય રીતે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં મિડ-ટર્મ (મધ્યસત્ર) ચૂંટણીઓ યોજાવાની છે. અમેરિકાની સામાન્ય જનતા હવે આ લાંબા ખેંચાયેલા યુદ્ધથી કંટાળી ગઈ છે અને તેની સીધી આર્થિક અસરો સામાન્ય અમેરિકનોના ખિસ્સા પર પડી રહી છે. અમેરિકાના સાથી દેશો પણ ટ્રમ્પ પર સતત દબાણ લાવી રહ્યા છે કે તેઓ કોઈ પણ રીતે ઈરાન સાથે સમાધાન કરે, જેથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી શકે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો કાબૂમાં આવે.
“સરપ્રાઈઝ આપવા અમે પણ તૈયાર”: અમેરિકાને ઈરાનનો પડકાર
બીજી તરફ, ઈરાને પણ અમેરિકાની કોઈપણ ધમકી સામે ઝૂકવાનો સાફ ઈનકાર કરી દીધો છે અને વળતા પ્રહાર માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ઈરાનની સંસદના સ્પીકર મહોમ્મદ બાગેર ગાલિબાફે સોશિયલ મીડિયા પર ગર્જના કરતા લખ્યું છે કે, “અમારી સશસ્ત્ર સેનાઓ કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે. અમેરિકાની ખોટી વ્યૂહરચના અને ખોટા નિર્ણયોનું પરિણામ હંમેશા ખોટું જ આવશે. અમે તમામ વિકલ્પો માટે તૈયાર છીએ અને અમે અમેરિકાને મોટું સરપ્રાઈઝ આપીશું.”
ગુપ્તચર એજન્સીઓના અહેવાલો અનુસાર, ઈરાને યુદ્ધવિરામ દરમિયાન પોતાની મિસાઈલ પ્રણાલી અને અંડરગ્રાઉન્ડ લોન્ચિંગ સાઈટ્સને ફરીથી ઓપરેશનલ કરી દીધી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, વૈશ્વિક તેલના વેપાર માટેની લાઈફલાઈન ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ આવેલી 33 મિસાઈલ સાઈટ્સમાંથી 30 સાઈટ્સ પર ઈરાને ફરીથી પોતાનું સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ મિસાઈલો તે વિસ્તારમાંથી પસાર થતા અમેરિકી નૌકાદળના જહાજો અને કોમર્શિયલ ઓઈલ ટેન્કરોને પલકવારમાં નષ્ટ કરવા માટે સક્ષમ છે. જો અમેરિકા હુમલો કરશે, તો ઈરાન સમગ્ર વિશ્વનો ઓઈલ સપ્લાય રોકી દેશે તે નક્કી છે.