ઈરાન સામે અમેરિકાની નવી રણનીતિ: 50 હજાર સૈનિકો અને યુદ્ધ જહાજો તૈયાર, આગામી અઠવાડિયે નિર્ણય શક્ય

Spread the love
અમેરિકા આવતા અઠવાડિયે ઇરાન પર ફરીથી સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલો અનુસાર, પેન્ટાગોને હુમલાના ઘણા વિકલ્પો તૈયાર કર્યા છે અને હવે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લેવાનો છે.
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું કે જરૂર પડ્યે સૈન્ય કાર્યવાહી વધારવાની યોજના તૈયાર છે. અમેરિકી અધિકારીઓ અનુસાર, હુમલાના વિકલ્પોમાં ઇરાનના સૈન્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠેકાણાઓ પર મોટા હવાઈ હુમલાઓ સામેલ છે.
એક વિકલ્પ અમેરિકી સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસને જમીન પર ઉતારીને ઇસ્ફહાન પરમાણુ સાઇટમાં દબાયેલી પરમાણુ સામગ્રી એટલે કે એનરિચ્ડ યુરેનિયમ સુધી પહોંચવાનો પણ છે. જોકે અધિકારીઓએ સ્વીકાર્યું કે આવું ઓપરેશન અત્યંત જોખમી હશે અને તેમાં ભારે સૈન્ય નુકસાન થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકાએ મિડલ-ઈસ્ટમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ ઉપરાંત, બે એરક્રાફ્ટ કેરિયર, એક ડઝનથી વધુ નેવી ડેસ્ટ્રોયર અને મોટી સંખ્યામાં લડાકુ વિમાનો પણ આ ક્ષેત્રમાં હાજર છે. લગભગ 5 હજાર મરીન અને 82મી એરબોર્ન ડિવિઝનના 2 હજાર પેરાટ્રૂપર્સ પણ આદેશની રાહ જોઈ રહ્યા છે.
છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ
1.
ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે ઈરાન યુદ્ધ પર બે બાબતો પર સહમતિ: બંને નેતાઓએ સ્વીકાર્યું કે વર્તમાન યુદ્ધ સમાપ્ત થવું જોઈએ અને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહેવું જોઈએ. જોકે, ચીને યુદ્ધ સમાપ્ત કરાવવામાં કોઈ મોટી ભૂમિકા ભજવવાના સંકેત આપ્યા નથી.
2.
BRICS દેશોમાં ઈરાન મુદ્દે એકમત ન સધાયો: નવી દિલ્હીમાં યોજાયેલી BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં ઈરાન યુદ્ધને લઈને સભ્ય દેશો વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે તમામ દેશોની વિચારસરણી અલગ-અલગ છે.
3. અમેરિકાનો દાવો- ચીન હવે વધુ અમેરિકી તેલ ખરીદશે: અમેરિકી ઉર્જા મંત્રી ક્રિસ રાઈટે જણાવ્યું કે યુદ્ધ વચ્ચે ચીન અમેરિકા પાસેથી તેલની ખરીદી વધારી શકે છે. તેમણે હોર્મુઝમાં જહાજોની સામાન્ય અવરજવરને જરૂરી ગણાવી હતી.
4 . ચીને અમેરિકા-ઈરાનને વાતચીત ચાલુ રાખવાની અપીલ કરી: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે હોર્મુઝ સંકટનો ઉકેલ માત્ર સ્થાયી યુદ્ધવિરામ અને વાતચીત દ્વારા જ આવી શકે છે. તેમણે ઉમેર્યું કે તાકાત નહીં, પણ રાજદ્વારી ગતિવિધિઓ (કૂટનીતિ) જ સાચો રસ્તો છે.
5. જર્મનીએ ઈરાનને તાત્કાલિક વાતચીત શરૂ કરવા કહ્યું: જર્મન ચાન્સેલર ફ્રેડરિક મત્ઝે જણાવ્યું કે ઈરાને તાત્કાલિક વાતચીતના ટેબલ પર આવવું જોઈએ અને તેને પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની પણ માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *