આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર રાજ્યના નાગરિકો માટે નવી યોજના લાવી છે. સરકાર હવે ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા આપશે. આ પહેલા, બીજા બાળકના જન્મ પર 25,000 રૂપિયા રોકડ આપવાની પણ વાત કરવામાં આવી હતી, પણ હજુ સુધી આ અંગે સ્પષ્ટ રીતે કંઈ જાહેર કરાયું નથી.
ઘટતી વસતિ અંગે ચિંતા
નરસન્નાપેટામાં યોજાયેલા ‘સ્વર્ણ આંધ્ર-સ્વચ્છ આંધ્ર’ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં ઘટતી વસતિ વૃદ્ધિ દર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળકોને ભાર નહીં, પણ દેશની સંપત્તિ માનવી જોઈએ. મુખ્યમંત્રીએ વસતિ વધારવા માટે નવી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ત્રીજા બાળકના જન્મ પર પરિવારને 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
આ નિર્ણય વિશે ઘણીવાર વિચાર્યું: CM
મુખ્યમંત્રીએ કહ્યું કે, “મેં આ વિષય પર ઘણીવાર વિચાર્યું છે. પહેલા મેં પરિવાર નિયોજન તરફ કામ કર્યું હતું, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે બાળકો આપણા માટે સંપત્તિ છે અને તેમના ભવિષ્ય માટે કામ કરવું જરૂરી છે. આ વિચાર સાથે મેં આ નવો નિર્ણય લીધો છે. ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા તરત જ આપવામાં આવશે.”
