ગુજરાતની મુલાકાતે આવેલા દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન રાજયના આરોગ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન લીધેલ નાગરિકોની પૃચ્છા કરીને તેમના ખબર અંતર પૂછયા હતા. મંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોરોના વેક્સિન અંગેની માહિતી મેળવી હતી. ગૃહ મંત્રીશ્રીએ કોઇપણ વ્યક્તિ વેક્સિન વિના બાકી ન રહી જાય તેની ચિંતા કરવા આરોગ્ય અધિકારીઓને જણાવ્યું હતું.
ગૃહ મંત્રીશ્રીએ ત્યારબાદ વરદાયિની માતા, રૂપાલની મુલાકાત લઇને દર્શન અને પૂજા-અર્ચન કર્યા હતા. તેમજ આર્શીવાદ મેળવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ પણ સાથે જોડાયા હતા. ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે ત્યારબાદ વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટીગણને મળીને જિલ્લા પ્રવાસન સ્થળો પૈકીના આ સ્થળના વિકાસ અને જીર્ણોધ્ધારની માહિતી મેળવી હતી.
ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ત્યારબાદ મહાનગરપાલિકામાં સમાવેશ કોલવડા ગામે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ વેક્સિનના પુરવઠા અંગેની જાત માહિતી મેળવી હતી. કોલવડા ખાતે મંત્રીશ્રીએ લોકો વચ્ચે જઇને નાગરિકોનું અભિવાદન જીલ્યુ હતું. અને સૌનો આભાર માન્યો હતો. સૌને આરોગ્યની ચિંતા કરવા વેક્સિન લેવા માટે જણાવ્યું હતું.
આ પ્રસંગે રૂપાલ તેમજ કોલવડા ગામના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.