‘સાત જન્મ સુધી મેળ નહીં પડે.’ ગાંધીનગરમાં અમિત શાહે રાહુલ ગાંધીને બતાવ્યા ચૂંટણીના પરિણામ

Spread the love

Amit Shah Gandhinagar Visit 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન પાટનગર ગાંધીનગરને કરોડો રૂપિયાના વિકાસકામોની મોટી ભેટ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તેમણે અનેક પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મૂક્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી પૂરેપૂરા રાજકીય મૂડમાં જોવા મળ્યા હતા અને તેમણે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

 

ન ભૂપેન્દ્રભાઈ થાકે છે, ન કોર્પોરેશન થાકે છે: Amit Shah

 

પવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જનતાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, “હું જ્યારે પણ ગાંધીનગર આવું છું, ત્યારે 500 થી 1000 કરોડના વિકાસકામો થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો વિકાસનો સિલસિલો ભૂપેન્દ્રભાઈએ જોરદાર રીતે ચાલુ રાખ્યો છે. ના ભૂપેન્દ્રભાઈ થાકે છે કે ના કોર્પોરેશન થાકે છે.” તેમણે ઉમેર્યું કે પેથાપુરને હવે નર્મદાનું પાણી મળશે, આ સાથે જ બગીચા, યોગ કેન્દ્ર, પીએચસી (PHC), લાઈબ્રેરી અને આધુનિક રોડ રસ્તાના કામો સંપન્ન થયા છે.

 

‘દૂરબીન લઈને શોધીએ તોય કોંગ્રેસ નથી દેખાતી’

 

તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ કરતા અમિત શાહે વિપક્ષને આડેહાથ લીધો હતો. તેમણે સીએમની હાજરીમાં કટાક્ષ કર્યો કે, “સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, હવે દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી. જ્યારે મોટા-મોટા દાવા કરનારી આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નથી.” જનતાએ તમામ મનપા, 34માંથી 33 જિલ્લા પંચાયત અને 260માંથી 253 તાલુકા પંચાયતોમાં ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે.

 

રાહુલ ગાંધી અને મમતા સરકાર પર સીધા પ્રહાર

 

રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા ગૃહમંત્રીએ ગર્જના કરી કે, “રાહુલ ગાંધીએ અહીં આવીને મોટા કાર્યક્રમો કર્યા હતા, પણ સાત જન્મ સુધી એમનો મેળ પડે એમ નથી. આ અમારો અહંકાર નથી, પણ જનતા વચ્ચે રાત-દિવસ કામ કરનારા બૂથના કાર્યકરો પરનો વિશ્વાસ છે. રાહુલ બાબાને કોઈ આ ચૂંટણીના પરિણામો બતાવે તો સારું.”

 

આ સાથે જ પશ્ચિમ બંગાળના ભ્રષ્ટાચાર અને કમિશન પ્રથા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “હું હમણાં પાંચ રાજ્યોમાં ફરીને આવ્યો છું. 1964નું ગુજરાતનું ગામડું આજના બંગાળ કરતાં બે ગણું સારું હતું. ત્યાં દરેક વસ્તુમાં સત્તાધારી પક્ષના લોકો કમિશન લે છે, બહારથી કોઈ સામાન લાવે તો રેલ્વે સ્ટેશન પર ટેક્સ ઉઘરાવવા ઊભા રહી જાય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *