
આ કમનસીબ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
ધાણીવારી ગામ નજીક કન્ટેનરે ટેમ્પોને કચડ્યો
આ અકસ્માત સોમવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ધાણીવારી ગામની સીમમાં થયો હતો. મળતી પ્રાથમિક માહિતી મુજબ, સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે 30 થી 40 મુસાફરોને લઈને એક આઈશર ટેમ્પો (MH 48 DC 7474) મુંબઈ-ગુજરાત હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે, વિરૂદ્ધ દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર (NL 01 AC 9118) પરનું કન્ટેનર બોક્સ નિયંત્રણ ગુમાવીને આ ટેમ્પોની ડાબી બાજુએ જોરભેર અથડાયું હતું. આ અકસ્માતની ઝપેટમાં એક મોટરસાઈકલ પણ આવી ગઈ હતી.
ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અને સારવાર
અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો, સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી 14 જણાને દહાણુની વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘાયલોને કાસા ઉપજિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા દ્વારા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર મૃતકોના વારસદારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. આ સાથે તેમણે જિલ્લા પ્રશાસનને સૂચના આપી છે કે ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે. તેઓ પોતે પાલઘર જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.